BREAKING NEWS

જામનગર: ગજબ કહેવાય: કમિશનર બંગલાથી ફૂટ નહિ, અમુક પગલા દુર આ રોડ સવા બે માસથી ખોદાયેલો છે

  • August 07, 2026 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગજબ કહેવાય: કમિશનર બંગલાથી ફૂટ નહિ, અમુક પગલા દુર આ રોડ સવા બે માસથી ખોદાયેલો છે

ગોકળગાયની ગતિએ ચાલતા કામનો આથી વધુ આશ્ર્ચર્યજનક દાખલો બીજો જોવા મળશે નહીં

મહાનગરપાલિકાના વિકાસ કાર્યો ગતીશીલ બનાવવાની વાતો કેવા માત્ર બણગા સમાન છે તેનો એક દુ:ખદ દાખલો સામે આવ્યો છે, બીજા કોઇ નહિ, મ્યુનિસિપલના કમિશનરના બંગલા માંચેસ્ટર હાઉસથી અમુક ફૂટ નહિ, માત્ર અમુક પગલા દૂર રોડને નવો બનાવવા માટે ખોદી નાખવામાં આવ્યો છે અને પૂરેપુરા સવા બે માસ જેવો લાંબો સમય વીતી જવા છતાં ખોદકામ બાદ કામ આગળ જ વધતુ નહીં હોવાથી આ વિસ્તારના રહેવાસીઓ ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આટલું જ નહિ સીવીલથી લઇને અનેક લેવલે ખોદાયેલા આ રોડ અંગે રહેવાસીઓએ ફરિયાદ કરી છે પરંતુ કોર્પોરેશનનું લબાડ તંત્ર ટસથી મસ થયું નથી, આજે પણ ખોદાયેલા આ રોડના પુરાવા જીવંત છે.

કમિશનર બંગલા વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લગભગ બે મહિના પહેલા સીસી રોડ બનાવવા માટે કામગીરી શરૂ થઇ હતી, મોટા ઉપાડે રોડને ખોદી નાખવામાં આવ્યો હતો, સ્થિતિ શું છે તે ઉપરોકત તસવીરોમાં જોઇ શકાય છે,ફોર વ્હીલર તો શું, દ્વિચક્રી વાહન પણ રોડ પર ચલાવવું શકય નથી અને ઘણા બધા લોકોની ઘરની બહાર પગ મુકતાની સાથે જ રોડ ખોદાયેલો નજરે પડે છે.

જયારે રોડનું કામ શરૂ થયુ ત્યારે લતાવાસીઓએ હાશકારો થયો હતો કે નવો સીસી રોડ બનશે પરંતુ રોડનું આ કામ આશીર્વાદના બદલે અભિશાપ બની જશે એવી કલ્પના પણ એ સમયે લોકોએ કરી નહોતી.

ચાર પાંચ દિવસ કામ ચાલ્યું, રોડને ખોદી નાખવામાં આવ્યો, રોડની અંદર બીછાવાયેલા કેબલ પણ બહાર આવી ગયા જે હાલમાં પણ જોવા મળે છે, ઘણા બધા ઘર આ રોડ પર એવા છે કે જેમાંથી રહેવાસીઓ ઘરની બહાર પગ મુકી શકે તેવી સ્થિતિમાં નથી.

સામાન્ય રીતે સીસી રોડનું કામ એક કે બે સપ્તાહ ચાલતુ હોય છે અને આ પછી અવરજવર શકય બને છે પણ કમિશનર બંગલા વિસ્તારમાં રહેતા લોકો બે માસ કરતા વધુ સમયથી ખોદાયેલા રોડને જોઇને પોતાની કિસ્મતને કોસી રહ્યા છે કારણકે કોઇપણ કારણે કામને રોકી દેવામાં આવ્યું છે અને ખોદાયેલો આ રોડ કોર્પોરેશનની કંગાળ નીતીનો પુરાવો બની ગયો છે.

પીએન માર્ગની એકદમ નજીક આ રોડ આવેલ છે. માર્ગથી ડાબી બાજુ ગલીમાં ઉતરીએ ત્યારે આ રોડ આવી જાય છે અને ઉપર કહ્યા મુજબ મ્યુ. કમિશનરનો બંગલો અમુકજ પગલા દુર છે છતાં આ રોડ શું કામ બનતો નથી એ સવાલ રહેવાસીઓ માટે કોયડારૂપ બની ગયો છે. 

જેટલા લાંબા સમયથી આ રોડ ખોદાયેલો છે તેને જોતાં આ વિસ્તારના રહેવાસીઓની સહનશકિતને પણ સલામ કરવી પડે. એવો સિનારીયો સર્જાયો છે, તાત્કાલિક અસરથી કોઇપણ કારણે અધવચ્ચે છોડી દેવાયેલ સીસી રોડનું આ કામ શરૂ થવુ જોઇએ અને શું કામ બે બે માસ કરતા વધુ સમય સુધી કામ રોકી દેવાયુ તેની ચોખવટ થવી જોઇએ, જો આવુ નહિ થાય તો કમસે કમ આ આખા વિસ્તારના મત એટલે કે વોટ સતાધારીઓને ભૂલી જવા પડશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application