દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે મુખ્યમંત્રીના જ ગૃહનગર ગોરખપુરની વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવતા તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો સીએમ સિટીમાં જ આવી કમી રહેશે, તો અન્ય જગ્યાઓની શું સ્થિતિ હશે. રાજ્યપાલે પોતાના સંબોધનમાં વીજળી, પાણી, પંખાની અછત, ગંદકી તેમજ યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હોસ્ટેલ અને શૈક્ષણિક પરિસરમાં રહેલી આ મૂળભૂત સમસ્યાઓ તંત્રની બેદરકારી દર્શાવે છે.
આનંદીબહેન પટેલે સંબોધનમાં જણાવ્યું કે, કેટલાક લોકોને કદાચ ખરાબ પણ લાગે. જો કે, જે આપણી ખામીઓ છે તે તો મારે કહેવી જ પડશે. આ ખામીઓ આગામી 3 મહિનામાં પૂરી થાય, બધાને મેં કહ્યું છે કે, ત્રણ મહિનામાં પૂર્ણ કરો. આ તો ગોરખપુર છે જ્યાં મુખ્યમંત્રી જ બિરાજમાન છે ત્યાં જ આવી ભૂલો થશે તો શું થશે? યુનિવર્સિટીમાં 9 હોસ્ટેલ છે, જેમાંથી 3 વિદ્યાર્થીનીઓ માટેની ગર્લ્સ હોસ્ટેલ છે. જેમાંથી 1માં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. સારી વાત છે, જર્જરિત હાલતમાં હતું તો રિપેરિંગ ચાલી રહ્યું છે. 6 બોયઝ હોસ્ટેલ છે, જેમાંથી 2માં રિપેરિંગ ચાલે છે. બોયઝ હોસ્ટેલમાં મેસ નથી ચાલતી, ત્યાં બહારથી ટિફિન મંગાવવામાં આવે છે. કેમ ભાઈ? ટિફિનવાળો સારો લાગે છે? આજે ગોરખપુર યુનિવર્સિટીમાં જ રોકાયેલી છું. કાલે જે ભોજન બની રહ્યું હતું તે જોવા માટે હું ગઈ હતી. મેં ડબ્બા ખોલ્યા અને બધું ખોલ્યું અને કહ્યું દેખાડો તેમાં શું છે. હું તો ગૃહિણી છું, કિચનમાં વર્ષોથી જઈને રસોઈ કરતી-જોતી આવી છું. મેં કહ્યું આ ઓઇલ છે? ભંગાર ઓઇલ હતું. બધી જ વસ્તુઓ આવી જ હતી. મેં તુરંત જ ફૂડ વિભાગના અધિકારી બોલાવ્યા અને સેમ્પલ લેવડાવ્યું. બીજું સેમ્પલ મેં પોતે લઈ લીધું છે.
આનંદીબેને વધુમાં જણાવ્યું હતું કે, હું પણ ગુજરાતમાં હતી ત્યારે આવું થતું હતું. સેમ્પલ વચ્ચે જ બદલી દેવામાં આવે. વચેટિયા હોય છે, સેમ્પલ કોણ લઈને નીકળ્યું તેને પકડો અને નવું સારું સેમ્પલ આપો અને ખરાબ સેમ્પલ લઈ લો. આવું થતું જ રહે છે. અમે લોકોએ સેમ્પલ લઈ લીધું છે. અમે અધિકારીઓને કહ્યું છે કે ભાઈ અમે ત્યાં જઈને કરાવીશું, તમે પણ કરાવો. હું રાજ્યપાલ તરીકે નહીં પરંતુ માતા તરીકે કહી રહી છું. આપણા બાળકોનો ખોરાક શુદ્ધ હોવો જોઈએ, જો આવું જ ખાતા રહેશે તો મગજ જ નહીં ચાલે મિત્રો. મેં કહ્યું છે કે જે પણ રિપોર્ટ આવે તે VCને આપવામાં આવે. ભવિષ્યમાં પણ આવું ન થાય તેવો પ્રયાસ કરવામાં આવે. ટિફિનનું ભોજન બંધ કરાવો. તમે પોતે એરેન્જ કરો, તમારી એટલી તાકાત નથી? બજારમાંથી ઓર્ડર કરીને કરિયાણું લાવો, સારું ભોજન બનાવતો હોય તેની પાસે બનાવડાવો. પહેલીવાર મેં જોયું કે ટિફિન બહારથી આવે છે. તો ટિફિનમાંથી ડ્રગ્સ આવી શકે, ટિફિનમાં બીજું પણ આવી શકે. કાલે હું એક બીજી જગ્યાએ હતી, ત્યાંથી પણ ડ્રગ્સ અને દારૂ પકડાયો છે...’