રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓની ચૂંટણી સંભવત: આગામી જાન્યુઆરીમાં યોજાશે તેવી ચર્ચા વચ્ચે આમ આદમી પાર્ટીએ તો હાલથી જ રાજ્યભરમાં ઉમેદવારો કમ દાવેદારોની શોધખોળ શરૂ કરી છે જેમાં હાલની સ્થિતિએ રાજકોટ મનપાની ચૂંટણી લડવા માટે કુલ ૧૦૬ જેટલા આગેવાનોએ દાવેદારી કરી છે અને આ લિસ્ટ હજુ લંબાતું જાય છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખીને આમ આદમી પાર્ટી ચૂંટણી લડતા વિજેતા પક્ષ ભાજપ બાદ આપના ઉમેદવારોએ બીજા ક્રમે સૌથી વધુ મત મેળવ્યા હતા અને પરંપરાગત વિપક્ષ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધો હતો એટલું જ નહીં કોંગ્રેસના કેટલાય ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ કરાવી હતી.
વિસાવદરની પેટા ચૂંટણીમાં જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટી ફુલ ફોર્મમાં આવી છે અને રાજકોટ મનપાની ચૂંટણી માટે ઉમેદવારો કમ દાવેદારોની વોર્ડવાઇઝ નોંધણી શરૂ કરી છે જેમાં રાજકોટમાં હાલ સુધીમાં ૧૦૬ જેટલા આગેવાનોએ અલગ અલગ વોર્ડમાં દાવેદારી નોંધાવી છે.
ઓફલાઈન ઉપરાંત ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે, જીતે કે ન જીતે લડવા માટે સક્ષમ હોય તેવા નવા અને યુવા ચહેરાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોને પણ આમંત્રિત કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે.
રાજકોટ શહેરમાં વિધાનસભા ક્ષેત્ર અનુસાર વોર્ડ વાઇઝ દાવેદારી નોંધવામાં આવી રહી છે, આગામી ચૂંટણીમાં હાલ સુધી રાજકારણમાં કોઈ પક્ષમાં સક્રિય ન હોય તેવા જાહેર જીવનના અમુક આગેવાનોને પણ ચૂંટણી લડવા માટે મનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાંથી અમુક માની પણ ગયા છે પરંતુ હાલના તબક્કે તેમના નામો જાહેર કરવામાં આવ્યા નથી.