સાવધાન..જામનગરમાં ૧૨ કીલો એનાલોગ પનીરનો સ્થળ પર નાશ
અમલવારી: રાજય સરકારે પ્રતિબંધ મૂકતા મહાનગરપાલીકાની ફુડ શાખા દ્વારા અંબર ટોકીઝ રોડ અને અન્ય વિસ્તારોમાં ચેકીંગ
બેકરી, પીત્ઝા રેસ્ટોરન્ટ સહીત ૧૨થી વધુ પેઢીમાં એનાલોગ ચીઝ,બટર અને પનીરની તપાસ: વેપારીઓમાં ભારે દોડધામ
રાજય સરકારે એનાલોગ પનીર,ચીઝ,બટર પર પ્રતિબંધ મૂકયો છે. જેની અમલવારી અર્થે જામનગરમાં મહાનગરપાલીકાની ફુડ શાખા દ્વારા આજે અંબર ટોકીઝ રોડ સહીત અન્ય વિસ્તારોમાં ચેકીંગ કરાયું હતું. આ દરમ્યાન ૧૨ કીલો એનાલોગ પનીર મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો. બેકરી, પીત્ઝા રેસ્ટોરન્ટ સહીત ૧૨ થી વધુ પેઢીઓમાં એનાલોગ,ચીઝ, બટર અને પનીરની તપાસ કરવામાં આવતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે.
ગુજરાતમાં એનાલોગ પનીર,ચીઝ અને બટરના નામે ભેળસેળીયા તથા ધારાધોરણ વગરના ઉત્પાદનોનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. દૂધના બદલે વનસ્પિતિ તેલ,બીન ડેુરી ઘટકોમાંથી બનતા એનાલોગ પનીરને કારણે જનઆરોગ્યને ભારે નુકસાન થઇ રહ્યું છે. તાજેતરમાં રાજયમાંથી ૨૦૦૦ કીલોથી વધારે એનાલોગ પનીર ઝડપાયું હતું. એનાલોગ એટલે કે કૃત્રિમ પનીરમાં વેજીટેબલ ફેટ મોટે ભાગે ટ્રાન્સ ફેટ ધરાવે છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે. લાંબા ગાળે હાર્ટએટેક અને બ્લડ પ્રેશર સહીતની બિમારી નોતરે છે. તદઉપરાંત સ્ટાર્ચ અને કૃત્રિમ કેમીકલ્સને કારણે પેટમાં ગેસ, એસીડીટી, અપચા સહીતની સમસ્યા થઇ શકે છે. આથી રાજય સરકારે એનાલોગ પનીર,ચીઝ,બટરના ઉત્પાદન અને વેંચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકયો છે.
આ નિર્ણયની અમલવારી માટે જામનગરમાં મહાનગરપાલીકાએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ગુવારે સવારે મહાનગરપાલીકાની ફુડ શાખા દ્વારા અંબર ટોકીઝ રોડ સહીત અન્ય વિસ્તારોમાં આવેલી બેકરી, ડેરી, મીઠાઇ તથા પીત્ઝા રેસ્ટોરન્ટ સહીતના એકમોમાં એનાલોગ પનીર,ચીઝ,બટર મુદે તપાસ કરી હતી. આ દરમ્યાન અંકલ ડોનાલ્ડ પીત્ઝામાંથી ૧૨ કીલો એનાલોગ પનીર મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જયારે ૧૨ થી વધુ પેઢીઓમાં તપાસ કરી નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે. આ કામગીરી બપોર બાદ પણ યથાવત રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે શહેરની કેટલી પેઢીઓમાં તપાસ કરી એનાલોગ પનીર,બટર,ચીઝના જથ્થાનો નાશ કરાયો અને કેટલામાંથી નમૂના લેવામાં આવ્યા તે ચિત્ર તપાસના અંતે સ્પષ્ટ થશે. મહાનગરપાલીકા દ્વારા એનાલોગ પનીર,બટર, ચીઝ પર પ્રતિબંધની અમલવારી અંતર્ગત ચેકીંગ કરવામાં આવતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે. શહેરીજનોએ પણ એનાલોગ પનીર,બટર,ચીઝનો ઉ૫યોગ ટાળવા અનુરોધ કરાયો છે.