BREAKING NEWS

રાજસ્થાનમાં કાળમુખી રાતઃ બે ગોઝારા અકસ્માતમાં 12નાં મોત, ગુજરાતી પરિવારના 3 લોકોને કાળ ભેટ્યો

  • November 22, 2026 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના હાઈવે શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ ફરી એકવાર રક્તરંજિત બન્યા છે. રાજ્યમાં બે અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રથમ ગોઝારો અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો, જેમાં ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા મહારાષ્ટ્રના એક જ પરિવારના 9 સભ્યોનાં કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે બીજો ભયાનક અકસ્માત જોધપુર ખાતે થયો હતો, જેમાં ગુજરાતથી રામદેવરા દર્શનાર્થે જઈ રહેલા પરિવારના 3 સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. એક જ રાતમાં બનેલી આ બે દુર્ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


કોટા-ઉદયપુર હાઈવે પર ચાલકને ઝોકું આવતા ક્રુઝર ટ્રકમાં ઘૂસી

પ્રથમ અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક મધ્યરાત્રિએ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રનો એક પરિવાર ખાટુ શ્યામજીના દર્શન કરીને ક્રુઝર ગાડીમાં સવાર થઈને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. આ ક્રુઝરમાં કુલ 16 લોકો સવાર હતા. મધ્યરાત્રિના સમયે શંભુપુરા પાસેથી પસાર થતી વખતે અચાનક ચાલકને ઊંઘનું ઝોકું આવી ગયું હતું. જેના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ બનેલી ક્રુઝર હાઈવેની સાઈડમાં ઉભેલી એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.


બાળકો સહિત 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, 6 ગંભીર

ટ્રક અને ક્રુઝર વચ્ચેની આ ટક્કર એટલી ભયાનક હતી કે ક્રુઝરનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે મધ્યરાત્રિએ હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત એક જ પરિવારના 9 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે અધિક જિલ્લા કલેક્ટરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, શંભુપુરા પાસે મધ્યરાત્રિએ આ દુર્ઘટના સર્જાઈ હતી. ક્રુઝરમાં સવાર 16 લોકોમાંથી 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.​​​​​​​


જોધપુર પાસે ગુજરાતી પરિવારની કારને નડ્યો અકસ્માત, 3નાં મોત

રાજસ્થાનમાં શનિવાર-રવિવારની રાત્રે જ બીજો એક ગંભીર અકસ્માત જોધપુર ખાતે સર્જાયો હતો. ગુજરાતથી એક પરિવાર રામદેવરા બાબાના દર્શન કરવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન જોધપુર પાસે તેમની કાર અને એક ટ્રાવેલ ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ગુજરાતના એક જ પરિવારના 3 સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દર્શનની આસ્થા સાથે નીકળેલા પરિવારની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.


ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર શરૂ, પોલીસ તપાસ તેજ

જોધપુર અકસ્માત બાદ તમામ 15 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલા તમામ મૃતકો અને ઈજાગ્રસ્તો એક જ પરિવારના સભ્યો છે અને તેઓ ગુજરાતથી દર્શનાર્થે આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સઘન સારવાર ચાલી રહી છે. બીજી તરફ, બંને અકસ્માતના સ્થળે પોલીસે મૃતદેહોની ઓળખવિધિ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application