કોલેજો અને યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ માત્ર ડિગ્રી ધારક બહાર પાડનાર ફેક્ટરીઓ ન બની રહે અને વેપાર વાણિજ્ય તથા ઉદ્યોગની જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓ તૈયાર થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત બનાવી છે અને આ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પણ બહાર પાડી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ સંદર્ભે એક વિડિયો પણ તૈયાર કરવામાં આવ્યો છે અને તમામ કોલેજના પ્રિન્સિપાલો તથા સંચાલકોને મોકલવામાં આવ્યો છે. આ વીડિયોમાં રોજગારલક્ષી ઇન્ટર્નશીપ માટે શું કરવું અને માર્કશીટમાં તેનો ક્યાં ઉપયોગ થશે તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત બનાવવામાં આવી છે અને તેના ચાર એકેડેમિક ક્રેડિટ ગણવામાં આવશે.
વિદ્યાર્થીને ભવિષ્યમાં રોજગારીલક્ષી શિક્ષણ માટેનો જ રસ છે કે સંશોધન જેવી પ્રવૃત્તિમાં જવાની ઈચ્છા ધરાવે છે તે બાબતને ધ્યાનમાં રાખી રોજગાર લક્ષી ઇન્ટર્નશીપ નક્કી કરવામાં આવશે. આ માટેની સંપૂર્ણ જવાબદારી જે તે કોલેજના સંચાલકો અને પ્રિન્સિપાલો પર મૂકી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નોડલ ઓફિસર તરીકે આ માટે મહેશભાઈ જીવાણીની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત કોલેજ કક્ષાએ ફેકલ્ટી સુપરવાઇઝર નિયુક્ત કરવાના રહેશે અને તે વિદ્યાર્થીઓ માટે મેન્ટોરની ભૂમિકા ભજવશે. વિદ્યાર્થીના એકેડેમી પરફોર્મન્સ અને એવી બાબતોને ધ્યાનમાં રાખી ઇન્ટર્નશિપ કયા ફિલ્ડમાં લેવી તે નક્કી કરવામાં આવશે. કોલેજ આવી કંપનીઓ સાથે ટાઈઅપ કરીને સ્ટુડન્ટને ત્યાં મોકલશે અને તાલીમ પૂરી થયા પછી સર્ટિફિકેટ આપવામાં આવશે.
કુલ 100 માર્કની આ ઇન્ટર્નશિપમાં 50% માર્કસ ઇન્ટર્નલ એસેસમેન્ટના અને ૫૦ ટકા માર્ક ફાઇનલ રિપોર્ટના એટલે કે પ્રેઝન્ટેશન, ડિસિપ્લિન, કામ શીખવાની ધગશ જેવી બાબતોના આપવામાં આવશે. આમ 50 માર્ક કોલેજ અને 50 માર્ક જે તે કંપની વિદ્યાર્થીને આપશે.
આ સમગ્ર પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ માટે ઘણો મહત્વનો અને અભ્યાસ કર્યા પછી નોકરી ધંધો મળી રહે તેવો હોવાથી તેની સફળતા માટે સીધી રીતે જાહેરાત કરવાના બદલે કુલપતિ ઉત્પલ જોષી એ આ સંદર્ભે તમામ કોલેજના આચાર્યો અને વિભાગીય વડાઓ સાથે મીટીંગ કરી હતી. રાજકોટની પી.ડી. માલવીયા કોલેજ જેવી અનેક સંસ્થાઓએ તો આ બાબતે એન્જિનિયરિંગ એસોસિએશન, મેનેજમેન્ટ એસોસિએશન જેવી સંસ્થાઓ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પણ કરી દીધા છે અને હવે આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ સાથે પણ એમઓયુ કરવામાં આવશે.