આજે બાળકો પાસે પસંદગીનું રમડકુ મોબાઇલ ફોન બની ગયા છે પરંતુ તેની ભયાવહ આડઅસર સમાજ પર દેખાઇ રહી છે. મોબાઇલના લીધે બાળ માનસ પર વિકૃત બની રહ્યા છે. આ વાતની પ્રતિતિ કરાવતો શરમજનક કિસ્સો ધોરાજીમાં બનવા પામ્યો છે. અહીં રહેતા છ વર્ષના માસુમ બાળકને ૧૩ વર્ષનો તરૂણ રમવાના બહાને બોલેરોમાં બેસાડી તેને ચુંબન કર્યા બાદ તેની સાથે કલ્પી ન શકાય તેવી અશ્લીલ હરકત કરી હતી. જયારે અન્ય એક ૧૬ વર્ષના સગીરે આ હરકત મોબાઇલમાં કેદ કરી લઇ તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો. આ અંગે ધોરાજી સિટી પોલીસે પોકસો અને આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ધોરાજીના દાણાવાલા ચોક નજીક રહેતા 32 વર્ષીય યુવાને આરોપી તરીકે ઘર નજીક રહેતા 13 વર્ષ અને 16 વર્ષના સગીરનું નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમા છ વર્ષ, નવ મહિનાનો પુત્ર છે, જે સિનિયર કે.જી.માં અભ્યાસ કરે છે. ફરિયાદીના એક સંબંધીએ તેમને વોટ્સઅપમાં એક વીડિયો મોકલ્યો હતો. જે વીડિયો ફરિયાદીએ જોતા તેમના ઘર નજીક રહેતો 13 વર્ષનો સગીર ફરીયાદીના છ વર્ષના પુત્રને ચુંબન કરતો હતો. બાદમાં 13 વર્ષના સગીરે પોતાનું પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરતો હોય તેવું વીડિયોમાં જોવા મળ્યું હતું. આ વીડિયો જોઇ ફરિયાદી ચોંકી ઉઠયા હતાં.
બાદમાં ફરિયાદીએ તેમના છ વર્ષના માસુમ પુત્ર સાથે બેસી તેને હુંફ પુરી પાડી વાતચીત કરી ઘટના અંગે પૂછતાં માસુમે પિતાને જણાવ્યું હતું કે, તેમના ઘર નજીક રહેતો 13 વર્ષના સગીર સાથે તેને ગત તા.28 ઓગસ્ટના રોજ રમવા ગયો હતો. ત્યારે 13 વર્ષનો તરૂણ બાળકને તેના પિતાની માલિકીની બોલેરો વાહનમાં બેસવા જણાવ્યું હતું. જેથી બાળક બોલેરોમાં બેસી ગયો હતો. ત્યારે 13 વર્ષના સગીર સાથે અન્ય એક 16 વર્ષનો કિશોર પણ હાજર હતો. જે બાદ 13 વર્ષીય સગીરે બાળકને ચુંબન કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જયારે 16 વર્ષનો કિશોર સમગ્ર બનાવનો વિડીયો મોબાઈલમાં ઉતારતો હતો.
બાદમાં બાળકના પિતાએ ધોરાજી સિટી પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ધોરાજી સીટી પોલીસ મથકના પીઆઈ બી.આર. પટેલ અને તેમની ટીમે તાત્કાલિક પોક્સો એક્ટ અને આઇટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી બંને સગીર આરોપીઓને સકંજામાં લીધા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બંને બાળ આરોપીઓ પૈકી 16 વર્ષીય કિશોર ધો.-11 માં અભ્યાસ કરે છે જયારે 13 વર્ષીય તરુણે અભ્યાસ છોડી દીધાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.