ચોમાસાની સિઝન જાણે ચાલુ થઈ ગઈ હોય તેમ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તોફાની પવન મેઘ ગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો છે. રાજય કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના 168 તાલુકામાં સામાન્ય ઝાપટા થી દોઢ ઇંચ સુધીનો વરસાદ થયો છે, સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના સિહોર ગાંધીનગર જિલ્લાના માણસા અને ખેડા જિલ્લાના કપડવંજમાં દોઢ દોઢ ઇંચ નોંધાયો છે.
માવઠાના વરસાદે 14નો ભોગ લીધો
તોફાની પવન સાથે પડેલા વરસાદના કારણે 14 વ્યક્તિઓના મૃત્યુ સમગ્ર રાજ્યમાં થયા છે. વડોદરામાં એક રીક્ષા ચાલક પર વીજ તાર પડતા તેનું મૃત્યુ થયું છે. આવા જ બીજા એક કિસ્સામાં કાટમાળ પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, અરવલ્લીમાં વીજળી પડવાના કારણે બે યુવાનોના મૃત્યુ થયા છે અમદાવાદના ધોળકા હાઇવે પર રીક્ષા પર હોર્ડિંગ પડતા રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું છે.
અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે રાજકોટ મોરબી અને કચ્છ જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદ વાવાઝોડાની ઝડપે પવન અને મેઘગર્જના સાથે વરસાદ પડનાર હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જુનાગઢ જામનગર પોરબંદર અમરેલી દ્વારકા ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ વડોદરા ભરૂચ સુરત આણંદ જિલ્લામાં પણ વરસાદની આગાહી આજે કરવામાં આવી છે. વરસાદ અને તોફાની પવનના કારણે કંટ્રોલ રૂમે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અનુરોધ કર્યો છે. ગુજરાતમાં આજે અમુક જગ્યાએ પ્રતિ કલાકના 50 થી 70 કીલોમીટર ની ઝડપે પવન ફુકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
દીવાલો પડી જવાની ઘટનાઓ બની
વરસાદ કરતાં પવનની ગતિ વધુ હોવાના કારણે અનેક જગ્યાએ મંડપો ઉડ્યા હતા. દીવાલો પડી જવાની ઘટનાઓ બની છે. વૃક્ષોનો સોથ નીકળી ગયો છે અને ઠેર ઠેર પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી છે. જસદણ વિછીયા અને ચોટીલામાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજકોટમાં સોમવારે બપોરે 03:00 વાગ્યાની આસપાસ અને રાત્રે 11:00 વાગ્યાની આસપાસ તોફાની પવન મેઘ ગર્જના અને વીજળીના ચમકારા સાથે ઝાપટું પડ્યું હતું.
જોડિયામાં સવારે ઝાપટું વરસ્યું
આજે સવારથી ફરી સુરત જિલ્લામાં પલસાણા, માંડવી, અરવલ્લી જિલ્લામાં મોડાસા, માલપુર અને જામનગર જિલ્લામાં જોડિયામાં ઝાપટા પડ્યા છે. વાતાવરણ વાદળોથી ઘેરાયું છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે એવું લાગે છે. આ ઉપરાંત દ્વારકા, વેરાવળ, દીવ, ડીસા, અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ સવારથી જ વાદળો જોવા મળી રહ્યા છે.
દેશમાં આગામી તારીખ 9 સુધી વરસાદ માટે આગાહી
ગુજરાતની માફક દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે તોફાની પવન અને મેઘ ગર્જના સાથે વરસાદ પડી રહ્યો છે. જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉતરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન કોકણ ગોવા મહારાષ્ટ્ર બિહાર ઓડિશા, બંગાળ સિક્કિમ મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ કર્ણાટક આંધ્ર પ્રદેશ તામિલનાડુ અને નિકોબારમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં આગામી તારીખ 8 સુધી અને દેશમાં આગામી તારીખ 9 સુધી વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PM1.67 કરોડનો ધુમ્બો મારનાર મહિલા ઉદ્યોગપતિને ૧૧ કેસમાં દોઢ-દોઢ વર્ષની કેદ
May 06, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech