મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા પ્રધાન મંડળમાં જુના પાંચ જેટલા મિનિસ્ટરોને યથાવત રાખવામાં આવ્યા છે અને નવા ચહેરાઓ ઉમેરવામાં આવ્યા છે. જ્ઞાતિ જાતિના સમીકરણો ભૌગોલિક બાબતો અને કામગીરીને ધ્યાનમાં રાખીને જે પણ જૂના મિનિસ્ટરોને યથાવત રાખવામાં આવ્યા છે તેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને તો નાયબ મુખ્યમંત્રીનું પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કનુભાઈ દેસાઈ કુંવરજીભાઈ બાવળીયા ઋષિકેશ પટેલ પ્રફુલભાઈ પાનેશ્વરીયા પરસોતમ સોલંકીને પણ રિપીટ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રનો દબદબો
નવા જે મંત્રીઓ લેવામાં આવ્યા છે તેમાં પણ સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો છે. પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયા, જામનગરના રિવાબા જાડેજા, મોરબીના કાંતિલાલ અમૃતિયા, ભાવનગરના જીતુભાઈ વાઘાણી, અમરેલીના કૌશિક વેકરિયા અને કોડીનારના પ્રદ્યુમન વાજાને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નવા ચહેરાઓ
આ ઉપરાંત નવા ચહેરાઓમાં લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, અરવિંદભાઈ રાણા, સંગીતા પાટીલ, કુમાર કાનાણી, લવિંગજી ઠાકોર, દર્શનાબેન વાઘેલા, સ્વરૂપજી ઠાકોર અને પીસી બરંડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા મંત્રીમાં કોનો સમાવેશ કરાશે અને કોને પડતા મુકાશે તે બાબતે છેલ્લા ઘણા સમયથી જાતજાતની ચર્ચાઓ ચાલી રહી હતી તેના પર આજે નવી કેબિનેટની જાહેરાત થતાની સાથે જ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે .
સાંજે નવી કેબિનેટની બેઠક મળશે
શપથવિધિ કાર્યક્રમ પૂરો થયા પછી હવે સાંજે નવી કેબિનેટની બેઠક મળશે અને તેમાં નવા મંત્રીઓને તેમના જુદા જુદા વિભાગની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત જે છ જેટલા પ્રધાનોને રિપીટ કરવામાં આવ્યા છે તેમના ખાતામાં પણ થોડા ઘણા ફેરફારો થાય તેવી શક્યતા નકારાતી નથી.