BREAKING NEWS

જંગલેશ્વરમાં 1489ની સામે 1509 દબાણો તોડ્યા, રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન પૂર્ણ જાહેર

  • February 25, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરીને જંગલેશ્વર વિસ્તારમાં ખડકાયેલા દબાણો અને ગેરકાયદે બાંધકામો જેમાં મુખ્યત્વે રહેણાંક મકાનો સહિતના કુલ ૧૫૦૯ એકમો ઉપર બુલડોઝર ફેરવીને આજી નદી કાંઠા અને ટીપી રોડ વિસ્તારની કુલ ૮૭,૦૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાઇ હતી. 

રાજકોટ મહાપાલિકા દ્રારા જંગલેશ્વર મેગા ડિમોલિશન પૂર્વે ગેરકાયદે બાંધકામો અને દબાણોની સંખ્યા ૧૪૮૯ જાહેર કરાઇ હતી પરંતુ આજે મેગા ડિમોલિશન પૂર્ણ થયે ૧૫૦૯ ગેરકાયદે બાંધકામો દૂર કર્યાનું જણાવ્યું હતું, વધુ ૨૦ બાંધકામો સામે આવ્યા તેમાં મંદિર, દેરી વિગેરેના ધાર્મિક સ્થાનોના દબાણો હોવાનું મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.


ગત સાંજે આ મેગા ડિમોલિશન પૂર્ણ જાહેર કરાયું હતું અને દબાણ મુકત કરાયેલા સમગ્ર વિસ્તારમાં પતરાની આડશો મૂકીને બેરીકેડિંગ કરવામાં આવ્યું હતું તેમજ પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. દરમિયાન આ મેગા ડિમોલિશનની સંપૂર્ણ વિગતો જાહેર કરવા આજે બપોરે ૧૨ કલાકે રાજકોટ મહાપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે.મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્રારા ગઇકાલ સુધીમાં ૧૫૦૯ બાંધકામો પૈકી ૧૫૦૪ બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને બાકી રહેતા અન્ય પાંચ બાંધકામો દૂર કરવાની કામગીરી આજે તા.૨૫ને બુધવારે પૂર્ણ કરાઇ હતી. જાહેર સલામતીના ભાગપે જંગલેશ્વર વિસ્તારમાં મહાપાલિકા દ્રારા દરેક શેરી પાસે પીળા પટ્ટા અને પતરાની આડશ લગાવવામાં આવી છે તેમજ અનઅધિકૃત વ્યકિતઓએ પ્રવેશ ન કરવા સુચના જારી કરાઇ છે


આજી કાંઠાની જમીન ઉપર ફેન્સિંગ થશે

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનથી ખુલી થયેલી આજી નદી કાંઠાની ૫૫,૦૦૦ ચોરસ મીટર જમીનનું ડિમાર્કેશન કરી ફેન્સિંગ કરવામાં આવશે જેથી અહીં ફરી દબાણો ન થાય. આ ઉપરાંત અહીંથી રહેણાંક વિસ્તારમાં પ્રવેશતા પૂરના પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવા ભવિષ્યમાં અહીં .૫૦ કરોડના ખર્ચે દિવાલ બનાવાશે, અલબત આ લાંબાગાળાનું આયોજન છે. હાલ તો ફકત ફેન્સિંગ કરાશે.


આવતા સોમવારે ટીપી રોડનું ખાતમુહૂર્ત

જંગલેશ્વરમાંથી ગેરકાયદે રહેણાંક મકાનોનું મેગા ડિમોલિશન કરાતા રાજકોટ ટીપી સ્કીમ નં.૬નો ૫૦ ફટ પહોળો અને સવા બે કિલોમીટરની લંબાઈનો રોડ ખૂલ્યો છે, હવે રવિવાર સુધીમાં કાટમાળ દૂર થતાની સાથે જ આગામી સોમવારે આ ટીપી રોડ ડેવલપમેન્ટનું ખાતમુહર્ત કરવામાં આવશે તેમ જાણવા મળે છે. આ ટીપી રોડની ૩૩ હજાર ચોરસ મીટર જમીન ઉપર ગેરકાયદે મકાનોના દબાણો હતા. આ ટીપી રોડ ખુલતા હવે જંગલેશ્વર વિસ્તાર શહેરના મુખ્ય રોડ નેટવર્ક સાથે જોડાઇ જશે.


કાટમાળ લઇ જવા માટે ભંગારીયાના આંટા ફેરાથી તંત્રવાહકો ત્રસ્ત બન્યા

જંગલેશ્વર વિસ્તારમાંથી રહેણાંક મકાનો સહિત કુલ ૧૫૦૯ બાંધકામો તોડી પડાતાં તેનો અંદાજે કુલ ૧.૩૫ લાખ ટન જેટલો કાટમાળ નિકળ્યો છે જે દૂર કરવાની કામગીરી આજથી શ કરાઇ છે. દરમિયાન કાટમાળમાંથી લાકડું, લોખંડનો ભંગાર લઇ જવા ભંગારીયાઓએ આંટાફેરા શ કરતા તંત્રવાહકો ત્રસ્ત બન્યા છે. ગઈકાલે હજુ તો ડિમોલિશન પૂર્ણ થયું નહોતું ત્યાં જ ભંગારના રેંકડી વાળાઓ વિસ્તારમાં ઘૂસી ગયા હતા જેને ભગાડવામાં આવ્યા હતાં. આજે સવારથી ફરી ભંગારના ધંધાર્થીઓએ આંટા ફેરા શ કર્યા હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application