અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ અને મોટી સરસાઈ મેળવી છે. ગુજરાત કોલેજ ખાતે સ્થિત મતગણતરી કેન્દ્ર પર આ પરિણામોની જાહેરાત કરવામાં આવી રહી છે. જોધપુર, વેજલપુર, અમરાઈવાડી, ચાંદખેડા, નિકોલ, નવા વાડજ, ઇસનપુર, ગોતા, ચાંદલોડિયા, મણીનગર અને સાબરમતી જેવા વિસ્તારોમાં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવી છે. આ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને મતદાતાઓનું વિશાળ સમર્થન મળ્યું છે, જે પાર્ટીની મજબૂત સ્થિતિ દર્શાવે છે. આ લખાય છે ત્યારે અમદાવાદમાં 54 બેઠકો ભાજપે કબ્જે કરી છે.
અમદાવાદના બાપુનગર વોર્ડમાં પેનલ તૂટી છે. ભાજપના 3 અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. જ્યારે અમદાવાદના જમાલપુર-ખાડિયામાં ભાજપની હાર થઈ છે અને કોંગ્રેસની પેનલ જીતી છે.
સ્થાનિક સ્તરે વિકાસના મુદ્દાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, પાણી, રસ્તા અને સ્વચ્છતા જેવી સુવિધાઓને લઈને ભાજપે જે કામ કર્યું છે, તે મતદાતાઓ સુધી પહોંચ્યું હોવાનું આ પરિણામો દર્શાવે છે. પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં આ જીતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિશ્લેષકોના મત મુજબ, આ પરિણામો આવનારી રાજકીય દિશા માટે સંકેતરૂપ છે. અમદાવાદમાં ભાજપની આ મજબૂત પકડ પક્ષ માટે ભવિષ્યમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે આ પરિણામો ચિંતાજનક બની શકે છે, કારણ કે તેમને પોતાના સંગઠન અને વ્યૂહરચનામાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.