જામનગરમાં મયુરનગર, ઉધોગનગર, હાપા નજીક મનપાના ૧૫૪ ખાલી આવાસનું કોઇ લેવાલ નથી
તૈયાર આવાસ લોકો ખરીદે તે માટે મહાનગરપાલીકાનો વધુ એક પ્રયાસ
રૂ.૩ લાખ અને ૭.૫૦ લાખની કિંમતના આવાસ માટે અરજી કરવા લાભાર્થીઓને અનુરોધ
જામનગરમાં મયુરનગર, ઉધોગનગર, હાપા નજીક તૈયાર ૧૫૪ ખાલી આવાસ લોકો ખરીદે તે માટે મહાનગરપાલીકાએ વધુ એક પ્રયાસ કરી રૂ.૩ લાખ અને રૂ.૭.૫૦ લાખની કિંમતના આવાસ માટે અરજી કરવા લાભાર્થીઓને અનુરોધ કરતા આ આવાસનું કોઇ લેવાલ નથી કે શું તે સવાલ ઉઠયો છે.
જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં જુદા-જુદા સ્થળે અલગ-અલગ યોજના હેઠળ આવાસ બનાવામાં આવ્યા છે. પરંતુ અમુક વિસ્તારોમાં આવાસની ખરીદીમાં લોકો ઉદાસીનતા અથવા તો નીરસતા દાખવી રહ્યા છે.
આથી આવાસ ખાલી રહે છે. મનપા દ્વારા આ ખાલી આવાસ લોકો ખરીદે તે માટે સમયાંતરે પ્રયાસો કરવામાં આવે છે. આમ છતાં આવાસ ખાલી રહે છે. ત્યારે મહાનગરપાલીકા દ્વારા વધુ ૧૫૪ તૈયાર ખાલી આવાસ લાભાર્થીઓ ખરીદે તે માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મયુરનગર મેઇન રોડ પર વામ્બે આવાસ યોજનાની બાજુમાં આવેલી આવાસ યોજનામાં ખાલી ૪૭, એમ.પી.શાહ ઉધોગનગર પાછળ આવાસ યોજનાના ૪૦, હાપા નજીક પેટ્રોલ પંપ પાછળ આવેલી આવાસ યોજનામાં ૪૦ અને ૨૭ આવાસનો સમાવેશ થાય છે. આ તૈયાર આવાસ રૂ.૩ લાખથી રૂ.૭.૫૦ લાખની કીંમતના છે. આ માટે લાભાર્થીઓને અરજી કરવા મહાનગરપાલીકાએ અનુરોધ કર્યો છે. ડીપી કપાતમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં આવેલા મકાનો કે રેલ્વે દ્વારા દૂર કરવામાં આવેલા મકાનના તમામ અસરગ્રસ્તો અરજી કરી ઘરનું ઘર મેળવી શકે છે. આવાસ માટે આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરવામાં આવશે.