કઝાકિસ્તાનમાં લશ્કરી કવાયત દરમિયાન 17 સૈનિક દરિયામાં તણાયા, 12ના મોત
કઝાકિસ્તાનમાં લશ્કરી કવાયત દરમિયાન 17 સૈનિક દરિયામાં તણાયા, 12ના મોત
September 25, 2026 10:29 AM
કઝાકિસ્તાનમાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ચાલી રહેલી એક નૌકાદળની તાલીમ કવાયત દરમિયાન સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૧૨ સૈનિકોના દરિયામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. સત્તાવાર અધિકારીઓએ ગુરુવારે આ દુર્ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે અને રાષ્ટ્રપતિ દ્વારા વિશેષ શોક દિવસ જાહેર કરવામાં આવ્યો છે.સરકારે જાહેરાત કરી હતી કે, આ તમામ સૈનિકો પશ્ચિમી માંગીસ્તૌ ક્ષેત્રમાં ચાલી રહેલી એક સૈન્ય યુદ્ધ કવાયતમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા હતા. તાલીમ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ હવામાન પલટાયું હતું. વાતાવરણ બગડવાની સાથે જ અચાનક તોફાની પવનો ફૂંકાવવા લાગ્યા હતા, જેના કારણે દરિયામાં સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હતી.પ્રતિકૂળ હવામાન અને તોફાની મોજાંઓના કારણે પરિસ્થિતિ બેકાબૂ બનતા ૧૭ સૈનિકો દરિયાના પાણીમાં તણાઈ ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમોએ તાત્કાલિક ધોરણે મોરચો સંભાળ્યો હતો. પાણીમાં તણાયેલા કુલ ૧૭ સૈનિકોમાંથી અત્યાર સુધીમાં ત્રણ સૈનિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર અને દેખરેખ ચાલી રહી છે.પરંતુ, ભારે જહેમત છતાં ૧૨ સૈનિકોના જીવ બચાવી શકાયા નથી અને પાણીમાં ડૂબી જવાથી તેમના અવસાન થયા છે. આ ઉપરાંત, હજુ પણ બે લાપતા સૈનિકોની સઘન શોધખોળ ચાલી રહી છે. નૌકાદળ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે ડાઇવર્સ અને સર્ચ બોટની મદદથી બાકી રહેલા સૈનિકોને શોધી કાઢવા માટે અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે.