BREAKING NEWS

ઘરકંકાસનો કરુણ અંજામ: બાબરામાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પુત્ર સાથે આપઘાત કર્યો, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • November 23, 2026 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં ઘરકંકાસના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની અત્યંત કરુણ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બાબરાના ખોજા શેરી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી ૪૨ વર્ષીય શારદાબેન વિનોદભાઈ ગોહેલની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બીજી તરફ, તેમના પતિ વિનોદભાઈ ગોહેલ અને પુત્ર રોહને ધોલેરા તાલુકાના કાદીપુર ગામે પોતાના મૂળ વતનમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં બંનેના મોત નીપજ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કર્યા બાદ પુત્ર સાથે મળીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.


આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, બાબરાની ખોજા શેરીમાં રહેતા ગોહેલ પરિવારના સભ્યોનો સંપર્ક ન થતાં પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન શંકા જતાં બાબરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ખોજા શેરી ખાતેના બંધ મકાનમાં તપાસ કરતાં અંદરથી શારદાબેન લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DYSP વિસ્મય માનસેતા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે ઘરકંકાસના કારણે ઉશ્કેરાયેલા પતિ વિનોદભાઈએ શારદાબેન પર ધોકા અને પથ્થર વડે જીવલેણ હુમલો કરીને તેમની હત્યા નિપજાવી હતી.


પત્ની શારદાબેનની હત્યા કર્યા બાદ વિનોદભાઈ મકાન બંધ કરીને પોતાના પુત્ર રોહન સાથે ધોલેરા તાલુકાના કાદીપુર ગામે આવેલા પોતાના મૂળ ઘરે પહોંચ્યા હતા. ત્યાં ગત રાત્રિના સમયે પિતા-પુત્ર બંનેએ અલગ-અલગ રૂમમાં જઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે બંનેના કરુણ મોત નીપજ્યા હતા. આમ, ઘરકંકાસની આગમાં એક જ પરિવારના ત્રણ સભ્યો હોમાઈ જતાં ગોહેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી અનુસાર, વિનોદભાઈ ગોહેલ થોડા સમય પહેલાં જ ધોલેરાના કાદીપુર ગામેથી બાબરાની ખોજા સોસાયટીમાં રહેવા માટે આવ્યા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં બોલાચાલી અને ઘરકંકાસ ચાલતો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે, જોકે આ વિવાદ પાછળનું ચોક્કસ કારણ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ બહાર આવશે.


આ અંગે DYSP વિસ્મય માનસેતાએ જણાવ્યું હતું કે, મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે અને હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું અને ત્યારબાદ પુત્ર સાથે ધોલેરા વિસ્તારમાં આપઘાત કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે બાબરા સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application