BREAKING NEWS

જામનગર જિલ્લામાં ૧.૮૦ લાખ મતદારો ગાયબ: ૧.૭૪ લાખ નિરાધાર

  • December 12, 2025 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખુબ સારી બાબત છે કે, જામનગર જિલ્લામાં એસઆઇઆરની કામગીરી ૧૦૦ ટકા પુર્ણ થઇ છે, પરંતુ આ સાથે એવી ચોંકાવતી વિગતો પણ સપાટી પર આવી છે કે, જિલ્લાના કુલ ૧૨.૫૦ લાખ મતદારોમાંથી અધધધ... ૩,૪૪,૪૮૬ મતદારો એવા છે જે અડધા ગાયબ છે અને અડધા નિયમ મુજબ આધાર-પુરાવા આપી શકયા નથી. મતલબ કે કુલ મતદારોમાંથી ૨૫ ટકા જેટલા મતદારો એવા છે જે આ કેટેગરીમાં આવ્યા છે અને તેનાથી આખેઆખુ પીકચર બદલાઇ શકવાની પુરી શંકા છે, ૧.૮૦ લાખ મતદારોને ગાયબ બતાવવામાં આવ્યા છે જયારે ૧.૭૪ લાખ એવા મતદારો છે જે નિયમ મુજબ આધાર-પુરાવા આપી શકયા નથી, આ વિગતો સપાટી પર આવ્યા પછી એવું કહી શકાય કે, એસઆઇઆરની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થયા બાદ જામનગર જિલ્લાના પોણા ચાર લાખ મતદારો ગોટાળે ચડી ગયા છે. 


જામનગર જિલ્લામાં તા.૪ નવેમ્બરથી સ્પેશ્યલ ઇન્સેટીવ રિવીઝન (એસઆઇઆર)માં ૧૩૧૦૫૫૦૩ મતદારોની ડોર-ટુ-ડોર ચકાસણી કરવામાં આવી હતી, જામનગરની વાત લઇએ તો જામનગર જિલ્લામાં ૧૨૪૧૦૯૭ મતદારો છે તેમાં ૧૭૪૨૯૩ નો મેપીંગમાં આવ્યા છે, ૪૨૯૬૭ મૃતક હોવાનું તંત્ર કહે છે, ૩૭૩૮૧ ગેરહાજર છે જયારે ૮૯૮૪૫નું સ્થળાંતર થયું હોવાનું જાણવા મળ્યું છે. 


જામનગરની વસ્તીના ૨૫ ટકા લોકોના ફોર્મમાં હજુ મતદાર યાદીમાંથી રદ થાય તેવી શકયતા છે, નો મેપીંગમાં આધાર-પુરાવા મળી જશે તો તેમના નામો યાદીમાં સમાવવામાં આવશે. જાણવા મળતી માહિતી મુજબ ૨૦૦૪ પછીના મતદારોના માતા-પિતાના આધાર-પુરાવા રજૂ થયા નથી, જેથી આ તમામને ચૂંટણી પંચ દ્વારા નોટીસ પાઠવવામાં આવશે, એક મહીના દરમ્યાન બીએલઓ દ્વારા મતદારોને પ્રથમ એન્યુમરેશન ફોર્મ અપાયા બાદ બીએલઓ દ્વારા ત્રણ વખત મતદારના ઘરની મુલાકાત લેવામાં આવી છે.


જેમાં ૨૦૦૨ની મતદાર યાદી સાથે મતદારોનું મેપીંગ કરવામાં આવ્યું હતું અને કટઓફ ડેટ તા.૪ ડીસેમ્બર રાખવામાં આવી હતી, હવે તા.૧૪ ડીસેમ્બર સુધી આ ફોર્મ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ મતદારોની સુધારણા યાદી બહાર પાડવામાં આવશે. જામનગર ઉત્તરમાં ૨૨ ટકા અને દક્ષિણમાં ૧૭ ટકા મતદારોનું મેપીંગ બાકી હોવાનું ખુલ્યું છે. 


મતદારી યાદીમાંથી ગાયબ એટલે શું...?

જામનગર જિલ્લાની મતદાર યાદી માટે તા.૧૪ ડીસેમ્બર સુધી એસઆઇઆરના ફોર્મ ભરવાના રહેશે ત્યારે કેટલાક નામો મતદાર યાદીમાંથી ગાયબ છે, જેમાં મૃત પામેલા મતદારો, સ્થળાંતર કરેલા મતદારો અને ૨૦૦૪ પછી જન્મેલા લોકોના માતા-પિતાના યોગ્ય આધારો આપી શક્યા નથી, જેમના નામ મતદાર યાદીમાંથી હાલ ગાયબ કરવામાં આવ્યાં છે, તા. ૧૯ના રોજ મતદાર સુધારણા યાદી પાર પડશે તેમાં જે કોઇનું નામ નથી તે અંગે પણ નાયબ ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે યોગ્ય પુરાવા આપનારના નામ યાદીમાં સમાવેશ કરી દેવામાં આવશે, હાલ જેઓએ પુરાવા આપ્યા નથી તેવા ૧૭૪૨૯૩ મતદારો હાલ તો મતદાર યાદીમાંથી ગાયબ છે, ઉપરાંત ૪૨૯૬૭ મતદારો મૃત્યુ પામ્યા છે, ૩૭૩૮૧ને ગેરહાજર દર્શાવ્યા છે અને ૮૪૮૪૫ લોકોને સ્થળાંતર દર્શાવવામાં આવ્યા છે, એટલે આ બધા મતદાર યાદીમાંથી નામ ગાયબ થઇ ગયા છે.​​​​​​​



નો-મેપીંગ એટલે શું...?, સમજો...

જામનગર શહેર-જિલ્લામાં મતદાર યાદીનું કામ ૧૦૦ ટકા પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, ત્યારે નો-મેપીંગ એટલે શું તે અંગે લોકોની પૂછપરછ થઇ રહી છે, નાયબ ચૂંટણી અધિકારી દીપાબેન કોટકના જણાવ્યા મુજબ ૨૦૦૪ પછીના મતદારો હોય અને તેના માતા-પિતાના કોઇ આધાર રજૂ કરવામાં આવ્યા નથી તેથી તેના નામ હાલ મતદાર યાદીમાં નથી, તા.૧૪ ડીસેમ્બર સુધી હજુ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે, જેમના નામો ગુમ થયા છે એટલે કે આધાર-પુરાવા રજૂ થયા નથી તે તમામ મતદારોને ઝડપથી પુરાવા આપવા માટે નોટીસ ફટકારવામાં આવશે. ૧૪ સુધીના જેમના ફોર્મ આવ્યા છે તેઓના નામ યાદીમાં આવી જશે. આમ જોઇએ તો જામનગર જિલ્લામાં ૪૨૯૬૭ લોકોને મૃત જાહેર કરાયા છે, યાદીમાં ૩૭૩૮૧ ગેરહાજર દર્શાવાયા છે અને ૮૯૮૪૫ લોકોનું સ્થળાંતર થયું હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે. 


મતદારોએ પણ નામની ચકાસણી કરવા અપીલ

ગુજરાતમાં લગભગ સવા કરોડ મતદાર શંકાના દાયરામાં છે, ૫૩ લાખ મતદારોનું મેપીંગ થયું નથી અને જામનગરમાં પણ ૧.૭૪ લાખ મતદારો નો-મેપીંગમાં આવ્યા છે ત્યારે મેપીંગ માટે લોકોએ પુરાવા આપવાના રહે છે તેમાં તંત્ર દ્વારા જણાવાયું છે કે, મેપીંગ નહીં થનારને નોટીસ ફટકારાશે, પાસપોર્ટ, જાતિ પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, વન અધિકાર પત્ર સહિત ૧૩ પુરાવામાંથી એક પુરાવો ફરજીયાત છે, પુરાવો ન મળે તો નામ કાપવાની કાર્યવાહી થશે. મૃત્યુના કેસમાં ડેથ સર્ટીફીકેટ આપવાનું રહેશે. સ્થળાંતરીત, પતો ન મળનાર અને મૃત્યુનું પ્રમાણપત્ર ન આપનાર માટે પંચનામુ ફરજીયાત બનાવાયું છે. મતદાર સુધારણા યાદી બહાર પડે ત્યારે ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરથી તમારૂ નામ છે કે નહીં તે પણ ચકાસણી કરવાની રહેશે, તા.૧૯ના રોજ અપડેટ થયેલી મતદાર ડ્રાફટ યાદી પંચ દ્વારા બહાર પાડવામાં આવશે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application