BREAKING NEWS

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના વ્હીપ વચ્ચે 21માંથી 20નું મતદાન, વોર્ડ નં.૧૮ના ભાજપના કોર્પોરેટરના પતિએ મતદાન ન કર્યું!

  • September 08, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ લોધિકા સહકારી સંઘની હાઇવોલ્ટેજ ચૂંટણીમાં આજે પાંચ બેઠક માટે ૯૫.૨૩ ટકા મતદાન થયું હતું. કુલ પાંચ પૈકી ચાર બેઠકોમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું, જ્યારે કોઠારીયા- ખોખડદળ બેઠકમાં રાજકોટ મહાપાલિકાના ભાજપના વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર ભારતીબેનના પતિ શૈલેષભાઈ પરસાણા મતદાર હતા પરંતુ તેમણે મતદાન નહીં કરતા કોઠારીયા ખોખડદળ બેઠક ઉપર ૭૫ ટકા મતદાન નોંધાયું હતું.


રાજકોટ-લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કુલ ૧૫ પૈકી ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ આજે પાંચ બેઠકો માટે મતદાન શરૂ કરાયું છે. ભાજપે વ્હિપ જાહેર કરીને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાં પક્ષ દ્વારા કુવાડવા જૂથ બેઠક પરથી અરવિંદ રૈયાણી, માધાપર જૂથ બેઠક પરથી પૃથ્વીસિંહ (ઘોઘુભા) જાડેજા, ખોખડદડ જૂથ બેઠક પરથી બાબુ નસીત, ત્રંબા જૂથ બેઠક પરથી નિતીન રૈયાણી, હલેન્ડા જૂથ બેઠકથી મહેશ આસોદરિયા સહિતના નામો જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી કાર્યક્રમ મુજબ, આજે સવારે ૯થી બપોરે બે વાગ્યા સુધી મતદાન થયું હતું જેમાં ૯૫.૨૩ ટકા મતદાન નોંધાયું હતું. હવે આવતીકાલે તા.૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂ કરી ફાઇનલ રિઝલ્ટ જાહેર કરાશે. પાંચ બેઠકો માટે કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રા.લો.સંઘમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ વચ્ચે રાજકીય જંગ ખેલાઇ રહ્યો છે. ભાજપ દ્વારા અપાયેલા મૌખિક મેન્ડેટનો ઉલાળીયો કરીને રાદડિયા જૂથના ઉમેદવારોએ બળવો કરીને ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજવાની નોબત આવી હતી. છેલ્લા એક પખવાડિયાથી આ ચૂંટણીને લઇને ખેલાઇ રહેલા દાવપેચથી સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ક્યા ઉમેદવારો વચ્ચે ટક્કર ?


૧. અરવિંદ રૈયાણી v/s નીતિન ચોવટિયા

૩. વિજય સખીયા v/s પૃથ્વીસિંહ (ઘોઘુભા) જાડેજા

૫. હરજીભાઈ પીપળીયા v/s બાબુ નસીત

૬. અનિરુધ્ધસિંહ જાડેજા v/s નીતિન રૈયાણી

૧૦. મહેશ આસોદરિયા v/s ધીરૂભાઈ રોકડ


કઇ બેઠક ઉપર કેટલું મતદાન ?

મોટામવા-માધાપર ગ્રુપ બેઠક

૧.વિજયભાઇ કોરાટ ( મોટા મવા)

૨.લક્ષ્મણભાઇ વિરાણી ( રામનગર)

૩.વિજયભાઇ સખીયા ( રૈયા)

૪.પૃથ્વીસિંહ જાડેજા ( માધાપર)

૫.ભૂપેન્દ્રસિંહ જાડેજા (વાજડીગઢ)

૧૦૦ ટકા મતદાન


કુવાડવા ગ્રુપ બેઠક

૧. અરવિંદભાઈ રૈયાણી ( કુવાડવા)

૨. નીતિનભાઇ ચોવટિયા ( ખીજડીયા)

૩. મહેશભાઈ ખોયાણી ( રાણપુર)

૪. હરેશભાઇ પાનસુરીયા ( જીયાના)

૧૦૦ ટકા મતદાન


કસ્તુરબા ધામ ત્રંબા ગ્રુપ

નીતિનભાઇ રૈયાણી (ત્રંબા)

ભૂપતસિંહ જાડેજા (ઢાંઢણી)

પંકજભાઈ ગઢિયા (ગઢકા)

અનિરુધ્ધસિંહ જાડેજા ( વડાળી)

૧૦૦ ટકા મતદાન


પાડાસણ-હલેન્ડા ગ્રુપ

મહેશભાઈ આસોદરિયા (પાડાસણ)

ધીરુભાઈ રોકડ (હલેન્ડા)

રામભાઈ જળું (હલેન્ડા)

ઘનશ્યામભાઈ મેતા (ઉમરાળી)

૧૦૦ ટકા મતદાન


કોઠારીયા-ખોખડદળ ગ્રુપ

બાબુભાઈ નસિત (ખોખડદળ)

હરજીભાઈ પીપળીયા( ખેરડી)

ગૌરવસિંહ જાડેજા (ઠેબચડા)

૯૫ ટકા મતદાન


શું શૈલેષ પરસાણાને બંગલોમાં બેસાડી રખાયા ? મતદાન માટે છેવટ સુધી દાવપેચ

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં કોઠારીયા બેઠકના મતદાર શૈલેષભાઈ પરસાણા ને છેવટ સુધી જિલ્લા પંચાયત પ્રમુખના બંગલો ખાતે બેસાડી રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. તેઓ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા જૂથ તરફ મતદાન કરે તેવી શંકા હોય આવું બન્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. મતદાન માટે છેવટ સુધી દાવપેચ ખેલાયા હતા.


પરાજય થશે તો મારો થશે, જીતશે તો પાર્ટી જીતશે: અરવિંદ રૈયાણી

રા.લો.સંઘની ચૂંટણીમાં ભાજપના વ્હીપ બેઝ ઉમેદવાર અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જો પરાજય થશે તો એ અરવિંદ રૈયાણીનો વ્યક્તિગત પરાજય હશે અને જો જીત થશે તો એ ભારતીય જનતા પાર્ટીની જીત હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application