કાલાવડ નજીક ખંઢેરા ગામ પાસે શનિવારે રાત્રે એસ.ટી. બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા આશરે ચાલીસ મુસાફરો પૈકી ૨૦ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. જે પૈકી પાંચ મુસાફરોને વધુ ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગર રીફર કરાયા છે. પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
જુનાગઢ કાલાવડ રૂટની જી.જે. ૧૮ ઝેડ.ટી-૧૫૪૭ નંબરની એસટી બસ કે જે શનિવારે મોડી સાંજે જુનાગઢ તરફથી પરત ફરીને કાલાવડ તરફ આવી રહી હતી. જે દરમિયાન જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર કાલાવડ નજીક ખંઢેરા ગામના પાટીયા પાસે એસટી બસના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગઈ હતી.
જે અકસ્માતને લઈને બસમાં બેઠેલા ૪૦ જેટલા મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો. આ બનાવવાની જાણ થતાં કાલાવડ ગ્રામ્યના પીઆઇ પનારા તથા પોલીસ સ્ટાફ તથા ૧૦૮ ની ટુકડી અને કેટલાક અન્ય સામાજિક કાર્યકરો વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ઇજાગ્રસ્તો ને સારવારમાં પહોંચાડવા માટે મદદ કરી હતી.
કુલ ૨૦ મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી, અને તેઓને સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક મહિલાને એક બાળક સહિત પાંચ મુસાફરોને વધુ ઈજા થઈ હોવાથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામની હાલ સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતના બનાવ અંગે એસટી બસમાં મુસાફરી કરી રહેલા કાલાવડ ના શીતલા કોલોનીમાં રહેતા બાયલબા ઘોઘુભા જાડેજાએ એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે એસટી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં એસટી બસના ચાલક અને કંડકટરને પણ ઈજા થઈ હોવાથી તેઓને સારવાર અપાઈ રહી છે.