દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવેના ૨૦ દબાણો હટાવાયા
ગઇકાલે ડીમોલીશન બાદ વધુ દબાણો દૂર કરવા ૧પ૦ થી વધુ દબાણધારકોને નોટીસ
દ્વારકામાં નેશનલ હાઈવેના દબાણો કરનારાઓને નોટીસો પછી પોલીસ અને રેવન્યુ તંત્રને સાથે રાખી ઓપરેશન શરૂ થયુ છે અને બપોર સુધીમાં ૨૦ દબાણો દૂર કરાયા છે. આ પહેલાં દ્વારકાથી હર્ષદ સુધી ૧૫૦ અને કુરંગાથી ખંભાળિયા સુધી ૫૦ દબાણધારકોને નોટીસો અપાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈવેની હદમાં થયેલાં દબાણો દૂર કરવા ઓથોરિટીના ઈજનેર વત્સલ પટેલની ટીમ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના મુખ્ય અધિકારી અબ્દુલ્લા ખાન દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટીસો બાદ ગઇકાલે સવારથી ઇજનેર વત્સલ પટેલની દેખરેખ હેઠળ બરડિયાથી હાથીગેટ તરફ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ તંત્ર અને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ કામગીરી શરૂ થયા બાદ બપોર સુધીમાં ૨૦ દબાણો દૂર કરવામાં આવ્યાં છે. નેશનલ હાઈવેની હદમાં માર્ગ બંધ કરાયો હોય, હાઈવે પર ચઢવા માટે બિનઅધિકૃત રસ્તો બનાવાયો હોય અથવા ડિવાઇડર તથા અન્ય સ્થળે ગેપ કરવામાં આવ્યો હોય આવા તમામ પ્રકારનાં દબાણો દૂર કરવામાં આવશે.
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દ્વારકાથી હર્ષદ સુધીના વિસ્તારમાં આશરે ૧૫૦ તથા કુરંગાથી ખંભાળિયા સુધીના વિસ્તારમાં ૫૦ દબાણધારકોને નોટીસો આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નોટિસોની મુદત પછી હવે સ્થળ પર કાર્યવાહી થતાં દબાણધારકોમાં હલચલ જોવા મળી રહી છે.
બરડિયાથી દ્વારકાના હાથીગેટ સુધીની કામગીરી પૂર્ણ થયા પછી આજે બપોરથી હાથીગેટથી કુરંગા તરફના વિસ્તારમાં આવતાં દબાણો દૂર કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. નેશનલ હાઈવેની હદ ખુલ્લી રહે અને વાહનવ્યવહાર અવરોધમુક્ત બને તે દિશામાં તંત્રની આ ઝુંબેશ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
નેશનલ હાઈ-વે ઓથોરીટીના ઈજનેર વત્સલ પટેલે જણાવેલ કે નોટીસો અપાઈ છે તે મુજબ ઓનેસ્ટ હોટલ બરડીયા દ્વારકા પાસેથી ડિમોલીશન શરૂ કરીને હાથી ગેઈટ સુધીનું કાર્ય હાલ લેવાયું હતું, જે પછી દ્વારકાથી કુરંગા સુધીનું લેવામાં આવશે. તે પછી કુરંગાથી હર્ષદ અને કુરંગાથી ખંભાળીયા સુધીના વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી થશે જે ચારેક દિવસ સુધી ચાલશે. પોલીસ અને રેવન્યુ તંત્રની સાથે કડક રીતે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે તથા લોકોને ગેરકાયદે હાઈ-વે પર ગેપ ના કરવા તથા દબાણો અને એસ્કેપ રસ્તા ના કરવા પણ જણાવાયું છે.