રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં તાપમાન છ ડિગ્રી નીચે જતા કોલ્ડવેવ વચ્ચે તાવ, શરદી, ઉધરસ સહિતના ૨૦૩૨ કેસ મળ્યા હોવાનું જાહેર કરાયું છે. જો કે ખાનગી તબીબી વર્તુળોના મતે તો મહાપાલિકામાં નોંધાયેલા અને જાહેર કરાયેલા કેસની તુલનાએ શહેરમાં દસ ગણા વધુ કેસ હોવાનો પ્રાથમિક અંદાજ છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ. વકાણીએ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના બે કેસ, શરદી ઉધરસના ૧૦૪૯ કેસ, સામાન્ય તાવના ૭૮૩ કેસ અને ઝાડા ઉલ્ટીના ૧૯૮ કેસ સહિત કુલ ૨૦૩૨ કેસ નોંધાયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૨૭૧ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વિગેરે સ્થળે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૧૨૮ અને કોર્મશીયલમાં ૩૪ સહિત કુલ ૧૬૨ને નોટીસ ફટકારવામાં આવી હતી.