જામનગર: અટલભવનમાં રહેતી ૨૧ વર્ષની યુવતિનું તાવને કારણે મોત
છેલ્લા ત્રણ દિવસથી અનેક ડોકટરોને બતાવ્યા બાદ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયુ હતું: તાવના ૧૦૦ કેસ
જામનગરમાં ઇવા પાર્કમાં અટલબિહારી બાજપેયી ભવનમાં રહેતી ૨૧ વર્ષની યુવતિને તાવ અને ઠંડીને કારણે બે ત્રણ ડોકટરને બતાવ્યા બાદ આખરે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં તેણીનું મૃત્યુ થયું હતું.
આ અંગેની વિગત એવી છે કે મૃત્યુ પામનાર મહેકબેન પ્રશાંતભાઇ કનખરા, ઇવા પાર્કમાં રહે છે, તા.૧૮ના રોજ તેણીને તાવ આવતા ડો. એમ.એસ. શાહ પાસે સારવાર લીધી હતી ત્યારબાદ જોલી બંગલા પાસે ડો. વોરા પાસે સારવાર લીધી હતી, ત્યાંથી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયાં તેણીનું મૃત્યુ થયુ હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે, મૃત્યુ પામનાર મહેક બેનને ત્રણેક દિવસથી તાવ આવતો હતો ડોકટરે ટાઢીયો તાવ છે એવું કહ્યું હતું. અલગ અલગ ડોકટર પાસે દવા લીધા બાદ તેણીની તબિયત સુધરી નહોતી આખરે જી.જી. હોસ્પિટલના ડોકટરોએ સારવાર માટે અથાગ પ્રયત્ન કર્યા હતા પરંતુ તેણીનું મૃત્યુ થયું હતું.
જામનગર શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીના કારણે લૂ લાગવાના બનાવ બને છે. ખાનગી હોસ્પિટલમાં પણ ઝાડા ઉલ્ટીના કેસો આવી રહ્યા છે, તાવનાં ત્રણ દિવસના કેસોમાં ૧૦૦થી વધુ દર્દીઓનો સમાવેશ થાય છે તેમ જી.જી. હોસ્પિટલનાં ડોકટરોએ જણાવ્યું હતું.
ગામડાના સીએચસી, પીએચસી કેન્દ્રોમાં પણ તાવ, ઝાડા, ઉલ્ટીના કેસો વધી રહ્યા છે. તે ખુબ ચિંતાજનક છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોકટરના જણાવ્યા મુજબ ગામડામાં ૬૦ થી વધુ તાવના કેસો જોવા મળ્યા છે હજુ પણ ઉનાળો એક મહિનો રહેશે ત્યારે લૂ લાગવાના બનાવ બનતા રહેશે.