#aajkaal team
ગુજરાત સહીત આખા દેશમાં આજે નવા વર્ષની ઉજવણી કરતા લોકોમાં અનેરો આનંદ અને ખુશી છે, ત્યારે વડોદરાના આજવા રોડ ખાતે નારાયણધામ સોસાયટી વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે એક ચોંકાવનારી હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. 28 વર્ષીય યુવક અક્ષય વિક્રમભાઈ સોલંકી નવા વર્ષની ઉજવણીમાં મિત્રોને મળવા ગયો હતો અને તેની હત્યા થઈ ગઈ.
હત્યારાએ ખંજરના ઘા મારીને અક્ષયની હત્યા કરી, જેના કારણે આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી, CCTV, FSL અને હથિયારની તપાસ સાથે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે, જ્યારે પરિવારે ફાંસીની સજાની માગ કરી છે.
મળતી માહિતી મુજબ, બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી નારાયણધામ સોસાયટી વિભાગ બે આજવા રોડ પાસે ફતેપુરા વિસ્તારમાં રહેતા યુવક અક્ષય વિક્રમભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી છે. આ યુવકને આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજા સુરેશભાઈ સોલંકી (રહે. ગાયત્રી પાર્ક સોસાયટી નારાયણધામની બાજુમાં આજવા રોડ બાપોદ) દ્વારા ખંજરના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ આસપાસના લોકોને થતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જોકે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાપોદ પોલીસે આરોપીની અટકાયત કરી છે. હાલમાં આ મામલે FSL પણ કરવામાં આવ્યું છે . હત્યાના બનાવ આસપાસમાં CCTV, આરોપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા હથિયાર અને હત્યા પાછળનું કારણ જાણવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતક યુવકની પીએમ ચાલી રહ્યું છે. મૃતકના પરિવારની માગ છે કે પરિવારને ન્યાય મળે.