બુટલેગર દિપક ચૌહાણે દારૂનો જથ્થો મંગાવી ભાગીદારના મકાનમાં ઉતાર્યો હતો : માલ વેંચે તે પૂર્વે જ ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, ત્રણ મુખ્ય સૂત્રધારોની શોધ
ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરના બંધ મકાનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ૨૮૩૨ બોટલ દારૂ પકડી પાડી ખેપીયાની ધરપકડ કરી હતી. જ્યારે રૂ.૮.૦૩ લાખનો મુદામાલ જપત કરી ફરાર થયેલ ત્રણ મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ફરાર બુટલેગર દિપક ચૌહાણે દારૂનો જથ્થો મંગાવી ભાગીદારના મકાનમાં ઉતાર્યો હતો. ત્રણેય સૂત્રાધારોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) બી.બી. બસીયા દ્વારા દારૂ તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચનાથી ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ વી.ડી.ડોડીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ કોટીલા, ધારાભાઈ વાનરીયા અને રાજેશભાઈ જળુને ૮૦ ફુટ રોડ, આંબેડકરનગર શેરી નં.૧૩ માં આવેલ હિતેષ કના ગોહેલના રહેણાંક બંધ મકાનમા વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાડ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યો હતો. અહીં દારૂના જથ્થાની એક શખસ રખેવાળી કરતો હોય તેની પુછતાછ કરતા તેણે પોતાનું નામ સાહીલ બળવંત વોરા (ઉ.વ.૨૩ રહે. આંબેડકરનગર મેઈન રોડ, સ્મશાન સામે, ૮૦ ફુટ રોડ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂ.૭.૮૩ લાખની ૨૮૩૨ બોટલ દારૂ સાથે સાહિલ વોરાની ધરપકડ કરી રૂ.૮.૦૩ લાખનો મુદામાલ કબજે કરી પકડાયેલ શખસની પુછતાછ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો
દિપક ઉર્ફે ધોનો વિનોદ ચૌહાણે મંગાવ્યો હતો અને હિતેષ ગોહેલના મકાનમાં છુપાવી છૂટકમાં વેંચાણ કરતાં હતાં. આ દારૂના ધંધામાં અન્ય ભાગીદાર
હિતેષ કના ગોહેલ, દિપક ઉર્ફે ધોનો વિનોદ ચૌહાણ અને અજય ભુપત રાઠોડ (રહે.ત્રણેય- આંબેડકરનગર, ૮૦ ફુટ રોડ) ની શોધખોળ હાથ ધરી છે.