દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં ગત 6 અને 7 જુલાઇના રોજ વરસેલા અનરાધાર વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે સુરતમાંથી પસાર થતી તમામ ખાડીઓ હાલ જાણે 'મોતનો કૂવો' બની હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસના ભારે વરસાદ અને સ્થાનિક જળબંબોળને કારણે ખાડીઓ ઓવરફ્લો થતાં સુરતના અનેક રહેણાંક વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આ જળમગ્ન બનેલી સ્થિતિ વચ્ચે અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયેલા ચાર વ્યક્તિઓ પૈકી વધુ ત્રણ યુવાનોના 24થી 36 કલાક બાદ આજે કરુણ મૃતદેહ મળી આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાઓને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકની કાલિમા છવાઈ ગઈ છે.
ધસમસતા પ્રવાહમાં કાર ખાડીમાં ખાબકી
શહેરના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ભયાનક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જ્યાં પાણીના ધસમસતા પ્રવાહમાં બે સગા ભાઈઓ સાથેની એક કાર સીધી ખાડીમાં ખાબકી હતી. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઊભા કરી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પાસોદરાની સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા બે ભાઈઓ સંદીપ મનસુખભાઈ ચોવટીયા (ઉં.વ. 27) અને દર્શક ચોવટીયા (ઉં.વ. 25) વરાછા વિસ્તારમાં ફોર વ્હીલ રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. ગત 7 જુલાઈની સાંજે તેઓ વરાછા ખાતે બંધ થઈ ગયેલી એક કારને રિપેર કરીને પોતાની કાર સાથે પરત ઘરે આવી રહ્યા હતા. તે સમયે વાલક પાટીયા પાસે નીલકંઠ હાઈટ્સ નજીક રસ્તા પર ખાડી અને વરસાદના પાણીના ભારે પ્રવાહમાં તેમની કાર ફસાઈ ગઈ હતી અને જોતજોતામાં ડૂબવા લાગી હતી.
કાર પાણીના તેજ પ્રવાહમાં તણાવા લાગતા બંને ભાઈઓએ અદ્ભુત હિંમત દાખવી કારના કાચ ખોલી બહાર છલાંગ લગાવી દીધી હતી. જો કે, કમનસીબે સંદીપ પાણીના ધસમસતા પ્રવાહમાં આંખના પલકારામાં તણાઈ ગયો હતો. બીજી તરફ દર્શકના હાથમાં એક લાકડું આવી જતાં તેણે જીવના જોખમે તેને મજબૂતાઈથી પકડી રાખ્યું હતું. આ સમયે નજીકની સ્કૂલના વોચમેનની નજર પડતાં તેણે ત્વરિત ટોર્ચ લાઈટ મારી હતી. ટોર્ચના પ્રકાશના સહારે દર્શક ધીમે-ધીમે પાણીમાં ચાલીને સ્કૂલ પાસે પહોંચ્યો હતો, જ્યાં વોચમેને તેને હેમખેમ બહાર કાઢી લીધો હતો. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, પાણીમાં વહી ગયેલા સંદીપની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓફિસની નજીકમાં જ આ ઘટના બની હોવાથી તેમણે રાત્રે અને દિવસે પણ ઘટનાસ્થળે રૂબરૂ પહોંચીને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કામ પતાવી ઘરે પરત ફરતા બે મિત્રો તળાવના પાણીમાં ગરકાવ
બીજી તરફ સુરતના ડિંડોલી વિસ્તારમાં પણ વધુ બે આશાસ્પદ યુવાનોના મોતના સમાચારથી અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની અને હાલ ડિંડોલીના ખરવાસા રોડ સ્થિત બદરીનાથ સોસાયટીમાં રહેતો 19 વર્ષીય હર્ષલ પ્રવીણભાઈ કરંકાળ અને તેનો પાડોશી મિત્ર અજીત બલિરામ પટેલ (ઉં.વ. 31, મૂળ બિહાર) ગત 7 જુલાઈએ સવારે ડિંડોલીના શ્યામ બંગલા ખાતે છૂટક કામ અર્થે ગયા હતા. રાત્રે કામ પતાવી બંને મિત્રો જ્યારે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે સચિન રોડ પર ખરવાસા ખાતેના તળાવ પાસે મુશળધાર વરસાદને કારણે રસ્તા પર ભરાયેલા ઊંડા પાણીમાં બંને મિત્રો અચાનક ડૂબી ગયા હતા.
મોડી રાત સુધી બંને યુવાનો ઘરે ન પહોંચતા ચિંતિત બનેલા પરિવારે ભારે શોધખોળ હાથ ધરી આખરે પોલીસને જાણ કરી હતી. દરમિયાન, આજે સવારે ખરવાસા રોડ પર તળાવ નજીકથી પસાર થતા રાહદારીઓની નજર પાણીમાં તરતા બે મૃતદેહો પર પડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મિત્રોના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સુરતમાં વરસેલા આ આફતના વરસાદે અનેક પરિવારોના માળા વિખી નાખ્યા છે, જેના કારણે સ્થાનિક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
ત્રણ દિવસની વરસાદી આફતમાં મોતને ભેટેલા લોકોના નામ
વિસ્તાર મૃતક કારણ
ડિંડોલી પ્રસાદ કાપડે ડૂબી જતા
પુણાગામ મહેશ ઝાલોદરા ડૂબી જતા
પુણાગામ પરેશસિંહ ખેંગાર ડૂબી જતા
સચિન સંજીત મહંતો ડૂબી જતા
પાંડેસરા સત્યન શ્રીવાસ્તવ ડૂબી જતા
પાંડેસરા અનુભવ કોળી ડૂબી જતા
ઉન પાટિયા હારુન અંસારી ડૂબી જતા
ઉન પાટિયા ફારુક અંસારી ડૂબી જતા
ભીમરાડ પટેલ ફળિયા દેવ પટેલ વીજ કરંટ
ડિંડોલી અજાણ્યા યુવક ડૂબી જતા
વેડરોડ નરેન્દ્ર વાનખેડે ડૂબી જતા
પાંડેસરા તેજબહાદુર પડી જતા
ભેસ્તાન રાંભાવ કાહલે ડૂબી જતા
ડિંડોલી પ્રણય ઠાકુર ડૂબી જતા
ડિંડોલી ચંદ્રેશ રાજભર ડૂબી જતા
રાંદેર આઝમ વીજ કરંટ
રાંદેર સલમાન વીજ કરંટ
કતારગામ રિશિતા મિસ્ત્રી વીજળી પડતા
પાંડેસરા રામ પાંડે વીજ કરંટ
માન દરવાજા અલીના વીજ કરંટ
પાલી ક્રિષ્ણા ડૂબી જતા
પાલી શ્રેયા ડૂબી જતા
વરાછા અરૂણ પંડિત ઝાડ પડતા
વરાછા નરેશ પીપલીયા ઝાડ પડતા
ડિંડોલી વિનોદકુમાર સિંહ વીજ કરંટ
લિંબાયત શાહિદ સિદ્દિકી વીજ કરંટ