BREAKING NEWS

ઓમાનના દરિયામાં મોટી હોનારત: સલાયાનું ‘મહેબૂબ-એ-બુખારી’ જહાજ ડૂબ્યું; 2 ભારતીય ખલાસીના કરુણ મોત, 12 નો આબાદ બચાવ

  • July 09, 2026 08:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયાની પ્રચંડ લહેરો સામે લડીને આજીવિકા કમાતા ખલાસીઓ માટે દરિયો જ તેમનું ઘર અને સંસાર હોય છે. પરંતુ, ક્યારેક આ જ દરિયો આફત બનીને ત્રાટકે છે ત્યારે હસતો-રમતો પરિવાર પળવારમાં વિખેરાઈ જાય છે. આવો જ એક હૃદયદ્રાવક કિસ્સો ઓમાનના દરિયામાંથી સામે આવ્યો છે, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક જહાજ જળસમાધિ લઈ ચૂક્યું છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ ઓમાન નજીક દરિયાના રાક્ષસી મોજાં અને ખરાબ હવામાનનો ભોગ બનતાં ડૂબી ગયું છે. ‘મહેબૂબ-એ-બુખારી’ નામના આ જહાજમાં સવાર ૧૪ ભારતીય ખલાસીઓમાંથી ૧૨ ખલાસીઓનો ઓમાન નેવીએ ચમત્કારિક બચાવ કર્યો છે, જ્યારે સલાયાના જ બે આશાસ્પદ યુવાન ખલાસીઓના દરિયામાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ સમાચાર વાયુવેગે સલાયા પંથકમાં પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.


એન્જિન બંધ પડ્યા અને જહાજમાં પાણી ભરાયું
મળતી માહિતી મુજબ, ‘મહેબૂબ-એ-બુખારી’ જહાજ ગત ૩ જુલાઈના રોજ દુબઈથી જિબૂતી જવા માટે માલસામાન ભરીને રવાના થયું હતું. ઓમાનના દરિયા નજીક પહોંચતા જ અચાનક વાતાવરણ પલટાયું હતું અને દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ખરાબ હવામાન અને જોરદાર મોજાના કારણે જહાજના બંને મુખ્ય એન્જિન એકાએક બંધ પડી ગયા હતા. એન્જિન બંધ થતાં જહાજ પરથી નિયંત્રણ ગુમાવી દેવાયું હતું અને જોતજોતામાં દરિયાનું પાણી જહાજની અંદર ઘૂસવા લાગ્યું હતું, જેના કારણે જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું.

ઓમાન નેવીનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
જહાજ ડૂબવાની કટોકટી વચ્ચે તાત્કાલિક મદદની ગુહાર લગાવવામાં આવી હતી. જે અન્વયે ઓમાન નેવી અને નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય જહાજોએ સંયુક્ત રીતે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ૧૨ ભારતીય ખલાસીઓને જીવતા બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ બે ખલાસીઓને બચાવી શકાયા નહોતા.


મૃતક ખલાસીઓની ઓળખ:

૧. ગાંધર યાસીન નૂરમામદ (રહે. સલાયા)
૨. ભાયા ઇમરાન ઇશાક (રહે. સલાયા)

ઓમાન નેવી દ્વારા બચાવાયેલા તમામ ૧૨ ખલાસીઓ અને બંને કમનસીબ મૃતકોના પાર્થિવ દેહને સુરક્ષિત રીતે ઓમાનના કિનારે પહોંચાડવામાં આવ્યા છે, જ્યાંથી તેમને ભારત લાવવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News