BREAKING NEWS

ગોંડલના શેમળા ગામમાં કમકમાટીભરી દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત, એકની સ્થિતિ ગંભીર

  • June 05, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. શેમળા ગામમાં આવેલી એક વાડી નજીક રમતા-રમતા ઓરિયા તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના ૩ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનામાં અન્ય ૧ બાળકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ વહાલસોયા બાળકો કાળનો કોળિયો બની જતાં શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


રમતા-રમતા બાળકો પાણીમાં ગરકાવ થયા

મળતી માહિતી મુજબ, શેમળા ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં આ શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારના બાળકો વાડી નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પગ લપસવાને કારણે અથવા પાણીનો અંદાજ ન આવતા ચારેય બાળકો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકોને ડૂબતા જોઈને આસપાસના લોકો અને વાડી માલિક તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


હોસ્પિટલ પહોંચતા જ ૩ માસૂમોને તબીબોએ મૃત જાહેર કર્યા

બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ જરાય સમય ગુમાવ્યા વિના વાડી માલિક અને પરિવારજનો દ્વારા તેમને એક ખાનગી કાર મારફતે તાત્કાલિક ગોંડલની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ કરીને ૩ બાળકોને મૃત જાહેર કર્યા હતા, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં જ પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચોથા બાળક સાહિલને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ભોગ ન બને તે માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.


રાજકીય અને સામાજિક અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા

આ કપરા અને અત્યંત દુઃખદ સમયે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત 'શિવમ સાર્વજનિક ટ્રસ્ટ'ના પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમની સેવાભાવી ટીમે પીડિત શ્રમજીવી પરિવારની વહારે આવીને જરૂરી તમામ પ્રકારની સેવાકીય અને વહીવટી મદદ પૂરી પાડી હતી. આ મોટી દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનીય રાજકીય અને સામાજિક નેતાઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જેમાં યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર સહિતના અગ્રણીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને શોકાતુર પરિવારને મળીને સાંત્વના પાઠવી મુશ્કેલીની આ ઘડીમાં પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application