ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત અમદાવાદે ગઈકાલે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણમાં એક નવી ઓળખ ઉભી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે શહેરના ભાડજ વિસ્તારમાં જાપાનીઝ ‘મિયાવાકી પદ્ધતિ’થી માત્ર એક જ કલાકમાં રેકોર્ડબ્રેક 3.61 લાખ વૃક્ષોનું સફળતાપૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ કામગીરી સાથે અમદાવાદે પોતાનું નામ 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ' માં સુવર્ણ અક્ષરે અંકિત કરાવી દીધું છે. આ ઐતિહાસિક ક્ષણ માત્ર એક રેકોર્ડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આગામી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપવાના મક્કમ સંકલ્પનું પ્રતીક બની રહી છે.
આ અતિ વિશાળ અને ગૌરવપૂર્ણ પર્યાવરણીય મહાઅભિયાનનું આયોજન કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આ અંગે સંયુક્ત માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્લ્ડ રેકોર્ડ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોના રાત-દિવસના પરિશ્રમ, વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સહયોગ અને ભવ્ય જનભાગીદારીને કારણે જ શક્ય બન્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં ગોતા-ગોધવી કેનાલની બાજુમાં આ ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું. અહીં અંદાજે 91,006 ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાંથી આશરે 76,000 ચોરસ મીટરના ચોક્કસ વિસ્તારમાં ખૂબ જ આયોજનબદ્ધ રીતે વૃક્ષારોપણ કરાયું હતું. અહીં સ્થાનિક આબોહવાને અનુકૂળ એવી જુદી જુદી 35 જેટલી સ્વદેશી જાતોના રોપાઓની પસંદગી કરવામાં આવી હતી, જેથી મિયાવાકી પદ્ધતિથી આ જંગલ ખૂબ જ ઝડપથી અને કુદરતી રીતે ફૂલી-ફાલી શકે.
કોઈપણ મોટું અભિયાન જનતાના સાથ વિના અધૂરું છે અને આ કાર્યક્રમ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો હતો. એક જ કલાકમાં લાખો રોપા વાવવાના આ લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે 25,000થી વધુ વોલેન્ટિયર્સ અને જાગૃત નાગરિકો મેદાનમાં ઉતરી પડ્યા હતા. આ મહાઅભિયાનમાં એએમસીના તમામ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત સ્કૂલ બોર્ડ, બીએપીએસ સંસ્થા, ક્રેડાઈ, પોલીસ સ્ટાફ, એનસીસીના વિદ્યાર્થીઓ, અસંખ્ય એનજીઓ, શૈક્ષણિક અને ધાર્મિક સંગઠનોએ ખભેખભા મિલાવીને કામ કર્યું હતું. સમગ્ર વિસ્તાર એક કલાક માટે લોકજાગૃતિ અને પર્યાવરણ પ્રેમનો જીવંત ઉત્સવ બની ગયો હતો.
આ વનીકરણ અભિયાનથી આગામી સમયમાં અમદાવાદના પર્યાવરણને અકલ્પનીય ફાયદો થશે. અહીં રોપવામાં આવેલી સ્વદેશી પ્રજાતિઓ ભવિષ્યમાં જૈવ વૈવિધ્યના સંવર્ધનમાં, વાયુ પ્રદૂષણમાં ભારે ઘટાડો કરવામાં અને હવામાંથી કાર્બન શોષવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત, આ શહેરી જંગલ ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં અને લોકલ તાપમાનને નિયંત્રણમાં રાખવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને ટકાઉ બનાવવા માટે આવા જનહિતલક્ષી અભિયાનોને સતત વેગ આપવામાં આવશે.