જામજોધપુર: અમરાપર ગામમાં જમીન વિવાદમાં ૩ મહિલાઓ પર હુમલો
ચાર સામે ગુનો નોંધાયો : પોલીસ દ્વારા કરાતી તપાસ
જામજોધપુર તાલુકાના અમરાપર ગામે જમીન સંબંધિત જૂની અદાવતને લઈને ૩ મહિલાઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરાપર ગામમાં રહેતી જીવીબેન વિરમભાઇ કારાવદરા (ઉ.વ.૪૦) નામની મહિલાએ આરોપી નાગાજણભાઈ ભીમાભાઈ ઓડેદરા, તેમની પત્ની ભરમીબેન, તથા ભાવનાબેન દુદાભાઈ ઓડેદરા તથા નાગાજણભાઈના પુત્ર માનવની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આરોપી અને ફરીયાદીને જમીન કેસની તકરારનો ખાર રાખી ગઇકાલે ગૌશાળા રોડ પર આરોપીઓએ પાઇપ, ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદો પર હુમલો કર્યો હતો, હુમલામાં ફરિયાદીને ડાબા હાથની કોણીમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા ઉપરાંત ખભા અને હાથમાં ઈજાઓ પહોંચી હતી. સાથે રહેલી સાકળબેનને હાથ, ખભા અને માથાના ભાગે જ્યારે સુમિત્રાબેનને ખભા, પેટ તથા પગના ભાગે ઈજાઓ પહોંચ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે જામજોધપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કેસની વધુ તપાસ પીએસઆઈ એચ.બી. વડવીયા ચલાવી રહ્યા છે.