BREAKING NEWS

જામનગર : ૩૦ કરોડના બોગસ આઇટીસી રેકેટનો પર્દાફાશ, જામનગરના ટેકસ પ્રેકટીશ્નર સહીત બેની ધરપકડ

  • December 15, 2025 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુરત ડીજીજીઆઇ ટીમ ૩૦ કરોડના બોગસ આઇટીસી રેકેટનો પર્દાફાશ કરી જામનગરના ટેકસ પ્રેકટીશ્નર રોહીત સંઘાણી તથા પેઢીના સંચાલક વિશાલકુમાર ગોંડલીયાની ધરપકડ કરી છે. જેમાં ટેકસપ્રેકટીશ્નરની ધરપકડ કરી ૧૪ દીવસના રીમાન્ડ મેળવતા ભારે ચકચાર જાગી છે. ડીજીજીઆઇની તપાસમાં જામનગરમાં ૬, સુરત-વડોદરામાં ૫ બોગસ પેઢી ઉભી કરી બીલીંગ કૌંભાડ આચરવામાં આવ્યાનો ઘટસ્ફોટ થયો છે. 


જામનગરમાં જીએસટીના બોગસ બીલીંગ કૌંભાડે માઝા મૂકી છે. ખૂબજ ટૂંકા ગાળામાં કરોડના બોગસ બીલીંગ કૌંભાડ ઝડપાતા રાજયભરમાં જામનગર ચર્ચાની એરણે ચડ્યું છે. નવાઇની વાત તો એ છે કે, જીએસટીના સ્થાનિક અધિકારીઓની જાણ બહાર ડીજીજીઆઇ અને એન્ફોર્સમેન્ટ વિભાગની ટીમો દ્રારા દરોડા પાડી મસમોટા કૌંભાડ જામનગરમાંથી પકડી પાડવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે વધુ એક બોગસ બીલીંગનું કૌંભાડ ઝડપાતા ચકચાર જાગી છે.


 સુરત ડીજીજીઆઇની ટીમે બાતમીના આધારે જામનગરની ૬ અને સુરત-વડોદરાની ૫ બોગસ પેઢીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં આ તમામ પેઢી નોન જેન્યુઅન ટેકસ પેયર(એનજીટીપી) હોવાનું તથા માલ સપ્લાય કર્યા વગર ૩૦ કરોડની આઇટીસી એટલે કે ઇનપુટ ટેકસ ક્રેડીટ ખોટી રીતે મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તપાસ દરમ્યાન સુરત-વડોદરાની પેઢીના રીર્ટનની તપાસ દરમ્યાન બોગસ આઇટીસીનો નોંધપાત્ર હીસ્સો જામનગરની પેઢીઓને આપવામાં આવ્યાની ચોંકાવનારી હકીકતો ખુલી હતી. આથી ડીજીજીઆઇની ટીમે જામનગરની પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી.


જેમાં મે.આર.ડી.એન્ટરપ્રાઇઝના સંચાલક ગોંડલીયા વિશાલકુમાર(રે.લાલપુર બાયપાસ ચોકડી,કૃષ્ણા પાર્ક, જામનગર) તથા દિગ્વિજય પ્લોટના રહેણાંક સ્થળે તપાસ કરી મોબાઇલ, ટેબલેટ તથા અન્ય ડીજીટલ ગેઝેટ અને સાહીત્ય કબ્જે કર્યા હતાં. આ દરમ્યાન તમામ પેઢીઓના ઇ-વે બીલ તથા જીએસટી રીર્ટન ફાઇલ કરવા  અંગે જામનગરના ટેકસ પ્રેકટીશ્નર રોહીત સંઘાણી સાથે વાતચીત તથા દસ્તાવેજની આપ-લેના પુરાવા મળ્યા હતાં. આટલું જ નહીં 
તપાસમાં બોગસ પેઢીઓ પાસેથી રૂ.૨૩ કરોડથી વધુ આઇટીસી ખોટી રીતે મેળવી હોવાનું ખૂલતા ડીજીજીઆઇની ટીમે વિશાલ ગોંડલીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી જેલ કસ્ટડીમાં મોકલ્યો હતો.


જયારે જામનગરમાં રણજીતનગર સ્થિત દયાન પટેલની સિઘ્ધિ વિનાયક બીઝનેસ સેન્ટરમાં તપાસ દરમ્યાન કબ્જે કરેલા પુરાવાની ચકાસણી બાદ શહેરની બોગસ પેઢીઓના રીર્ટન ફાઇલ કરનાર ટેકસ પ્રેકટીશ્નર રોહીત સંઘાણીની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જામનગરની ઉપરોકત પેઢીઓ દ્રારા કોઇ પણ પ્રકારનો ધંધો કરવામાં આવતો ન હોય ફકત જીએસટીની ઇનપુટ ટેકસ ક્રેડીટ મેળવી પાસઓન કરવા થતો હોવાની કબૂલાત આપી હતી.


 આટલું જ નહીં આ તમામ પેઢીના ઇ-વે બીલ, ઇન્વોઇઝ તથા રીટર્ન પેઢીના માલીકોની ફાઇલ કર્યાની કબૂલાત પણ કરી હતી.આથી ડીજીજીઆઇની ટીમે રોહીત સંઘાણીને અદાલતમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. આથી ચીફ કોર્ટે ૧૪ દીવસના રીમાન્ડ મંજૂર કરતા વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમ્યાન બોગસ પેઢીઓ દ્વારા ૩૦ કરોડથી વધુની આઇટીસી મેળવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.


તપાસમાં આ બોગસ પેઢીના નામ ખૂલ્યા 

-મે.આર.ડી.એન્ટરપ્રાઇઝ(દરેડ,જીઆઇડીસી)
-મે.કુળદેવી કૃપા એન્ટરપ્રાઇઝ(દરેડ,જીઆઇડીસી)
-મે.ડુ મેટલ્સ,(દરેડ, જીઆઇડીસી)
-મે.આર.એમ.એન્ટરપ્રાઇઝ(દરેડ,જીઆઇડીસી)
-મે.ખોડીયાર એન્ટરપ્રાઇઝ(દરેડ,જીઆઇડીસી)
-મે.રહેમત એન્ટરપ્રાઇઝ(ગુલાબનગર,જામનગર
-મે.મણીયાર એન્ટરપ્રાઇઝ(ઓલપાડ,સુરત)
-મે.બાલાજી એન્ટરપ્રાઇઝ(સચીન જીઆઇડીસી,સુરત)
-મે.વાઘેલા ઇન્ડસ્ટ્રીયલ(મોટા વરાછા, સુરત)
-મે.વીર એકસપોર્ટ(જેતલપુર,વડોદરા)
-મે.કેપીટલ ટી( સાયણ, વડોદરા)​​​​​​​



૦.૨૦ ટકા ટકા કમીશન લઇ આઇટીસી પાસઓન કરવામાં આવતી તી....

જામનગર અને વડોદરા-સુરતમાં બોગસ પેઢી ઉભી કરી ૩૦ કરોડથી વધુની આઇટીસી ખોટી રીતે મેળવવાના કૌંભાડમાં ડીજીજીઆઇની ટીમે જામનગરના એકાઉટન્ટ અને ટેકસ પ્રેકટીશ્નર રોહીત સંઘાણીની ધરપકડ કરી છે. ત્યારે તપાસ દરમ્યાન ટેકસ પ્રેકટીશ્નર રોહીત ટર્ન ઓવરના ૦.૨૦ ટકા કમીશન મેળવી ખોટી રીતે આઇટીસી પાસઓન કરતા હોવાનું ૫ણ ખૂલ્યું છે. આથી સરકારી તીજોરીને મસમોટું આર્થિક નુકસાન થયા સહીતની રજૂઆતો ઘ્યાને લઇ અદાલત દ્રારા ૧૪ દીવસના રીમાન્ડ મંજૂર કરાયા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application