રાજકોટમાં ગત રાત્રે 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગરમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ નવ લોહિયા યુવાનના મોત થયા હતા. ત્રિપલ
હત્યાથી શહેર પહેલેથી જ ધ્રુજી ઉઠ્યું હતું. જોકે આજે બપોર પછી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાથી શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. દિવાળીના પર્વ પર જ 15 કલાકમાં આ ચોથું મર્ડર થતા શહેર આખું ધ્રુજી ઉઠ્યું છે.
30 વર્ષના યુવાનને અજાણ્યા શખ્સોએ પતાવી દીધો
મળતી માહિતી અનુસાર જામનગર રોડ પર સીએલએફ કવાર્ટરમાં ૩૦ વર્ષીય યુવાન કમલેશભાઈ બીપીનભાઈ મૂલિયાણાને મિત્રએ જ છરીના ઘા મારી પતાવી દેતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મૃતકના પરિવારે ઘટનાસ્થળે જ આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બની ગયું છે.
મૃતકના પિતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોકરી કરતા
શંકાસ્પદ ત્રણ મિત્રોને ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવી લીધા છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે. હત્યા અંગેનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. મૃતક કમલેશના પિતા બીપીનભાઈ મૂલિયાણા અગાઉ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલ છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી બી બસિયા, એસીપી રાધિકા ભારાઇ, પ્ર નગર પીઆઇ વસાવા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા
ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પરિવાર પણ હૈયાફાટ રૂદન કરી રહ્યો છે. યુવાનના મૃતદેહ પાસે લોહીના ખાબોચિયા ભરાઈ ગયેલા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દોડી ગયા
ઘટનાને પગલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા ઘટનાસ્થળે દોડી ગયા છે, તેમજ પોલીસની ટીમોએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા
એક તરફ રાજકોટમાં દિવાળી પર્વને લઈ લોકો ઉજવણી માટે બજારોમાં ખરીદી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ 15 કલાકમાં ચાર-ચાર હત્યાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. રંગીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે.