જામનગરમાં તેલ, ફલેવર,કલરમાંથી બનાવેલું ૩૨૪ કીલો ભેળસેળિયું ઘી ઝડપાયું
બિમારીને આમંત્રણ: ગ્રેઇનમાર્કેટમાં ફુડ વિભાગે દરોડો પાડી રૂ.૧,૧૩,૪૦૦નો જથ્થો અને કાશ ટ્રેડર ગોડાઉન સીઝ કર્યું
શહેરના ગોકુલનગરમાં દુકાનોમાં ચેકીંગ કરી તેલ અને વાસી મીઠાઈ, પ્રીન્ટેડ પસ્તીનો નાશ કરી વિવિધ ખાદ્યપદાર્થોના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા: વનસ્પતિ અને પામ ઓઇલ સહીતના જથ્થાનો નાશ
જામનગરની ગ્રેઇનમાર્કેટમાં ફુડ વિભાગે કાશ ટ્રેડર ગોડાઉનમા દરોડો પાડી તેલ,ફલેવર અને કલરમાંથી બનાવેલું ૩૨૪ કીલો ભેળસેળિયું ઘી કબ્જે કરતા ભારે ચકચાર જાગી છે. કાર્યવાહી દરમ્યાન ફુડ વિભાગે રૂ.૧,૧૩,૪૦૦નો જથ્થો પકડી પાડી ગોડાઉન સીઝ કર્યું છે. આટલું જ નહીં વનસ્પતિ અને પામ તેલ સહીતના જથ્થાનો નાશ કર્યો છે. તદઉપરાંત શહેરના ગોકુલનગરમાં દુકાનોમાં ચેકીંગ કરી તેલ અને વાસી મીઠાઇ, પસ્તીનો નાશ કરી વિવિધ ખાઘપદાર્થોના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અટકાવી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન તપાસ ચાલી રહી છે. મહાપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના આદેશ અનુસાર હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ગ્રેન માર્કેટ વિસ્તારમાં ખાંડ બજારની પાછળ આવેલા મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશના કાશ ટ્રેડર ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ૩૨૪ કિલો ભેળસેળયુકત ઘીનો જથ્થો મળી આવતાં તેનો નમૂનો લઈ રૂ. ૧,૧૩,૪૦૦ની કિંમતનો જથ્થો ગોડાઉનમાં સીઝ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્રોટો વનસ્પતિ તેલના ૧૬ ખાલી ડબ્બા અને ચાર ભરેલા ડબ્બા, સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામ તેલના બે ખાલી ડબ્બા અને સાડા ત્રણ ભરેલા ડબ્બા તેમજ પાંચ લિટર કલર અને ફ્લેવર પણ મળી આવ્યાં હતાં. આ જથ્થાની રૂ. ૨૫,૨૯૦ની કિંમતનો માલ નાશ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ ફૂડ વિભાગની ટીમ દ્વારા ગોકુલનગર વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ તપાસ કરવામાં આવી હતી. દુકાનોમાં ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે ટીપીસી તપાસ કરવામાં આવી હતી તેમજ મીઠાઈ અને ફરસાણના નમૂના લઈ પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોકુલનગરના હરિઓમ નમકીન એન્ડ સ્વીટમાંથી ગાંઠિયા અને ગુલાબ બરફીના નમૂના લેવામાં આવ્યા હતા. ધનલક્ષ્મી ફરસાણમાંથી બે કિલો પસ્તીનો નાશ કરી તીખા ગાંઠિયાનો નમૂનો લેવામાં આવ્યો હતો. વિશ્વા ફરસાણમાંથી થાબડી પેડાનો નમૂનો લેવામાં આવ્યો હતો. ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી દસ કિલો વાસી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ સફેદ ટોપરાપાક અને મિક્સ ચવાણાના નમૂના લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત ખોડિયાર સ્વીટ એન્ડ ફરસાણ અને રાજારામ ફાસ્ટફૂડમાં પણ તપાસ કરવામાં આવી હતી. શ્રી રામ સ્વીટ એન્ડ નમકીનમાંથી મેસુબ અને ફરાળી ચેવડાના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની વિગતો મુજબ તપાસ દરમિયાન ઉપરોક્ત દુકાનોમાં ખાદ્યતેલની ટીપીસી ચકાસણીના પરિણામો યોગ્ય જણાયાં હતાં. જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા તથા ભેળસેળ સામે નિયંત્રણ લાવવા માટે આગામી દિવસોમાં પણ તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application