દિવાળીના પવિત્ર પર્વની રાત્રે રાજકોટ શહેરમાં આનંદ-ઉલ્લાસ વચ્ચે આગની અસંખ્ય ઘટનાઓ સામે આવી હતી. ફટાકડાના તણખા અને રોકેટ પડવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા, જેના કારણે ફાયર બ્રિગેડની ટીમો આખી રાત દોડધામમાં રહી હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે મોટી દુર્ઘટનાઓ ટળી હતી અને તમામ ઘટનાઓમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.
માર્કેટ યાર્ડ પાસે બંગડીના કારખાનામાં ભીષણ આગ
શહેરના માર્કેટયાર્ડ વિસ્તાર પાસે આવેલા એક બંગડીના કારખાનામાં ફટાકડો પડવાને કારણે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના રહેણાંક મકાનોમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગોંડલ રોડ પર મર્સિડીઝના વર્કશોપમાં આગ અને સદગુરૂનગરમાં કાર ખાક
આ સિવાય ગોંડલ રોડ પર આવેલી પેન્ટી કોલોની નજીકના 'મર્સિડીઝ વર્કશોપ'માં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંટ્રોલ રૂમને જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમયસર કામગીરી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ, શહેરના સદગુરુ નગર વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરેલી એક કારમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી, જેને પણ ફાયર ફાઈટર્સે સ્થળ પર પહોંચી બુઝાવી દીધી હતી.
યાજ્ઞીક રોડ પર કોમ્પલેક્સમાં આગ
વેપારી મથક ગણાતા યાજ્ઞિક રોડ પર O2 ફેશનની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં ગોલ્ડ અને સિલ્વરના ગોડાઉનમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ સિવાય રેસકોર્સ નજીક આવેલ એરપોર્ટ ફાટક પાસે પતરાના શેડમાં ફટાકડાના લીધે આગ ભભૂકી હતી. તે જ રીતે, સોરઠીયા પ્લોટ વિસ્તારમાં આવેલ એક ખાલી પ્લોટમાં ફટાકડાનો તણખો પડતાં ઝાડી-ઝાંખરામાં આગ લાગી હતી. આ તમામ સ્થળોએ ફાયર વિભાગની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર પૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. તેમજ જૂના એરપોર્ટમાં સુકા ઘાસમાં પણ આગ લાગી હતી. આગના અનેક બનાવો બનતા દિવાળીની રાત્રે ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું.