ઉપલેટાના ખીરસરા ગામના ખેડૂત અને દલાલ સામે ભાયાવદરમાં ગુનો નોંધાયો: રોડ ટચ જમીન બતાવી ૪૨.૫૦ લાખ રૂપીયા લઇ લીધા બાદ માત્ર સુથીની રકમ રૂ.૭.૫૦ લાખ જ પરત આપી
રાજકોટના કારખાનેદાર સાથે ઉપલેટાના ખીરસરા ગામની ખેતીની જમીનના સોદામાં રૂ.૪૨.૫૦ લાખ લઈ બેલડીએ સુથીના રૂ.૭.૫૦ લાખ પરત કરી દસ્તાવેજ પણ ન કરી આપી રૂ.૩૫ લાખનો છેતરપિંડી કરી હતી. જે અંગે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટમાં ઇન્દીરા સર્કલ ,શિવ સંગમ, સોસાયટી શેરી નહીં નં.૧ માં રહેતાં નરશીભાઈ ડાયાભાઇ દોંગા (ઉ.વ.૬૫) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભુપેન્દ્ર કરસન માખસણા અને મામદ ઈસ્માઈલ નોઇડા (રહે બંને ખીરસરા) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ સોરઠીયા વાડી-૨ માં વૈભવ ગ્લાસ પ્રોડકટ નામે કારખાનું ચલાવે છે. આ ઉપરાંત ખેતીની ૩૧ વિઘા જમીન કાલાવડ મન ભગત ખીજડીયા ખાતે આવેલ છે. અઢી વર્ષ પહેલા તેમના સાઢુભાઈ રઘુભાઈ વિરડીયા તથા મુકેશભાઈ ઠુંમરએ ત્રણેયને ભાગીદારીમાં જમીન લેવી હોઇ જેથી સાઢુભાઈ રઘુભાઇએ જમીન લે-વેચ દલાલીનું કામ કરતાં મામદ નોઇડાનો સંપર્ક કરાવ્યો હતો અને તેઓને જમીન લેવી છે તે બાબતની વાત કરેલ જેથી થોડા દીવસ બાદ મામદએ કહેલ કે, એક મારા ગામમાં નવ વીઘા રોડ ટચ જમીન ધ્યાનમાં છે, તમે જોવા માટે આવો અને ૧ % દલાલી થાશે તેમ વાત કરી હતી.
જે બાદ ફરિયાદી સહિતના દલાલ મામદભાઈને મળેલ અને તેઓએ કહેલ કે, હું ઘણા સમયથી જમીનનું દલાલી કરૂ છુ, મે ઘણી જમીન લે-વેચ કરાવેલ છે. જે બાદ તેને એક જમીન બતાવેલ, તે જમીનના માલીક હાજર હતા નહિ અને આ જમીન ગમી ગયેલ હોઇ જેથી મામદએ આ જમીનના માલીક ભુપેન્દ્રભાઇ માખસણા પટેલ હોવાનું જણાવેલ અને મોબાઇલમાં વાતચીત કરાવેલ હતી. જમીનના ભાવ બાબતે ચર્ચા થયેલ અને એક વીઘાના રૂ.૬.૮૫ લાખ લેખે જમીનનો મૌખીક સોદો કરેલ હતો.
ત્યારબાદ ત્રણેય ભાગીદાર તા. ૦૬/૦૩/૨૦૨૪ ના ખીરસરા ભુપેન્દ્રભાઈની વાડીએ આવેલ અને આ ભુપેન્દ્રભાઈને મળેલ અને તેઓને રોકડા રૂ.૭.૫૦ લાખ સુથી પેટે આપેલ હતા. ત્યારે આ બાબતનું એક કાચુ લખાણ કરેલ હતુ. તેમાં ભુપેન્દ્રભાઇએ ખીરસરા ગામની સર્વે નં. ૪૦/૧ ની આશરે સાડા આઠ વિઘા જમીન વેચાણથી આપી છે તેવુ લખાણ કર્યું હતું. તેમાં બન્ને ભાગીદાર અને ભુપેન્દ્રભાઈ તથા સાક્ષીઓએ સહીઓ કરી આપી જમીનનો કબ્જો સોંપી આપ્યો હતો. જેથી આ જમીન આ દલાલ મામદને એક વીઘાના સાડા ચાર હજાર લેખે એક વર્ષ માટે વાવવા આપી હતી. અઠવાડીયા બાદ મામદનો ફોન આવ્યો હતો કે, ભુપેન્દ્રભાઈને સુરતમાં મિલ્કત ખરીદવી છે, જેથી રૂ.૨૦ લાખ મોકલો, આ દલાલ મામદ ઉપર વિશ્વાસ કરી ભાગીદાર સાથે વાતચીત કરી રૂ.૨૦ લાખનું મામદભાઈના નામનું રાજકોટ આર.પી. એન્ટરપ્રાઇઝ આંગડીયા પેઢીમા આંગડીયુ કર્યું હતુ.
બે મહીના ફરીવાર ભુપેન્દ્રભાઇનો ફોન આવેલ કે, મારા ભાઇના પત્નીને ગંભી૨ બીમારી છે, રૂ.૧૫ લાખની જરૂરીયાત છે, જેથી ફરી સુરત ખાતે આંગડીયુ કરેલ અને તેઓના પૈસા મળી ગયા બાબતે વાતચીત થયેલ હતી. ત્યારબાદ બીજા વર્ષે તે જમીન ખીરસરા ગામના રમેશભાઈ તથા મુંજાભાઈ રબારીને વાવવા આપેલ અને હાલ પણ તેઓ વાવેતર કરે છે. ભુપેન્દ્રભાઇ તથા દલાલ મામદને આ જમીન ખરીદેલ તેના રૂ.૪૨.૫૦ લાખ આપી દીધેલ હોવા છતા દસ્તાવેજ કરી આપતા ના હોય અને આ બન્ને અલગ અલગ બહાના બતાવતા હતા.
ત્યારબાદ એક વર્ષ પહેલા સાઢુભાઈ રઘુભાઇ રૂબરૂ ગયેલ તો મામદે કહેલ કે, હવે ભુપેન્દ્રભાઇ દસ્તાવેજ કરી આપશે. તેને રૂ.૭.૫૦ લાખ સુથીના આપેલ તે પરત આપેલ અને તેઓએ કહેલ છે કે તમારા રૂ.૩૫ લાખ મળી ગયેલ છે બાકીના પૈસા તમારે વ્હાઇટમાં ચેકથી આપવાના છે. છેલ્લા છએક મહીનાથી બંને શખ્સો દસ્તાવેજ માટે કહેતા બાદ કહેલ કે હવે તમને દસ્તાવેજ નથી કરી આપવો અને જે લખાણ કરેલ છે તે સુથીના રૂ.૭.૫૦ લાખ પરત આપેલ તેનો વીડિયો ઉતારી લીધેલ છે અને રૂ.૩૫ લાખ મોકલેલ તે આંગડીયામાં અઠવાડીયા ઉપરનું કોઇ રેકર્ડ નથી રહેતુ જેથી હવે દસ્તાવેજ નથી કરી આપવો તેમ કહીં રૂ.૩૫ લાખની છેતરપિંડી કરી હતી.