અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી 2 ઓક્ટોબરે ચોરી થયેલું શ્રમજીવી પરિવારનું બાળક માત્ર 38 કલાકની ભારે જહેમત બાદ પરિવારને સહીસલામત પરત મળ્યું હતું. આ માસૂમ બાળકને ઉઠાવી જનાર યુવતી, બે સગીર અને ઉત્તર પ્રદેશના એક મુખ્ય આરોપીની ક્રાઈમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટ હેઠળ ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ આ બાળકને ઉત્તર પ્રદેશમાં કોઈ નિઃસંતાન દંપતીને 10 લાખ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું.
આરોપીઓએ આ બાળકને ઉઠાવતા પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાં પણ બાળક ચોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં બાળકી હોવાથી તેમણે તે ચોરી માંડી વાળી હતી અને બાદમાં રાણીપમાંથી આ બોયને ઉઠાવી લીધો હતો. આ કુખ્યાત ટોળકી માત્ર 1 મહિનાના બોય (બાળક)ની જ ચોરી કરવાનો ચોક્કસ ટાર્ગેટ રાખતી હતી.
ઘટનાની વિગત મુજબ, 2 ઓક્ટોબરે સવારે 2 વાગે અહુલવાડિયા તળાવ પાસે ફૂટપાથ પર સૂતેલા દંપતીનું 37 દિવસનું બાળક અજાણી વ્યક્તિ ખાટલામાંથી ઉઠાવીને નાસી ગઈ હતી. દંપતી સવારે 3:15 વાગે જાગતા બાળક ચોરાયાની જાણ થઈ હતી, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં આ કેસમાં સાબરમતી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમ, ઝોન 2 એલસીબી અને ઝોન 3 એલસીબી સહિતના આશરે 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં જોડાયા હતા.
પોલીસે રાતોરાત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરીને કડક નાકાબંધી કરી હતી. 3 ઓક્ટોબરે સાંજે 4 વાગે આ બાળક તે જ તળાવ પાસેથી લાવારીસ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને બાળક અંગે જાણ કરતા ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બાળકને માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું. આ પછી એક એક્ટિવા પર આવેલી યુવતીએ બાળકને ઉઠાવ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ કરીને ચોરી કરનાર યુવતી જીનલ પરમારને રાણીપમાંથી જ ઝડપી લીધી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન જીનલ પરમારે કબૂલાત કરી હતી કે આ બાળ ચોરીના રેકેટમાં અન્ય બે સગીરો પણ સામેલ છે, જેથી પોલીસે બંને સગીરોની પણ અટકાયત કરી હતી. જીનલે જણાવ્યું કે તે અગાઉ નોઈડામાં ઝેપટો કંપનીમાં કામ કરતી હતી, ત્યારે આ બંને સગીરો અને ભુવનેશ નામનો યુવક પણ ત્યાં જ કામ કરતા હતા. ભુવનેશે જ જીનલને એક મહિનાનું બાળક શોધી આપવા કહ્યું હતું અને જો તે બાળક લાવી આપે તો તેને તથા બંને સગીરોને 2-2 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી.
જીનલે અમદાવાદમાં બે સગીરો સાથે મળીને સોલા સિવિલ અને ન્યૂ રાણીપ વિસ્તારમાં રેકી કરી હતી. ચોરી કર્યા બાદ ત્રણેય જણા બાળકને લઈને સાબરમતી રેલવે સ્ટેશનથી નોઈડા જવાના હતા, પરંતુ પોલીસનું ભારે ચેકિંગ જોઈને તેઓ ડરી ગયા હતા. આશરે 38 કલાક સુધી બાળકને સાથે રાખ્યા બાદ પોલીસ પકડાઈ જવાની બીકે તેમણે બાળકને તળાવ પાસે જ લાવારીસ હાલતમાં મૂકી દીધું હતું.
આ સમગ્ર પ્રકરણમાં યુપીથી ભુવનેશની પણ ધરપકડ કરવામાં આવી છે. ભુવનેશે કબૂલ્યું કે તેને આ બાળક એક સગીરને આપવાનું હતું અને તે સગીર તેને નિઃસંતાન દંપતીને વેચવાનો હતો. પોલીસના જણાવ્યા મુજબ, નિઃસંતાન દંપતી 1 મહિના સુધીનું જ બાળક ખરીદવાનો આગ્રહ રાખે છે જેથી તેને સમાજમાં પોતાનું બાળક તરીકે બતાવી શકાય. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ સઘન તપાસ ચાલી રહી છે.