BREAKING NEWS

પગાર દબાવી રખાતાંરાજકોટ મનપાના ક્ન્ઝરવંશી નાં 375 ડ્રાઈવરોની હડતાળ

  • October 13, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકાર મોટાભાગની સરકારી કચેરીઓ, હોસ્પિટલ, એજ્યુકેશન સહિતની જગ્યાઓમાં આઉટસોર્સ એજન્સીઓ મારફતે ભરતી કરવામાં આવતી હોવાથી કર્મચારીઓનું એજન્સીઓ દ્વારા આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહાપાલિકાના હેવી વાહનમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર ફરજ બજાવતા 375 ડ્રાઈવરોએ આજે મનપા કચેરીના કેમ્પસમાં વીજળીક હડતાળ પાડી દેતા મનપાના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ડ્રાઈવરોએ કેમ્પસમાં સુત્રોચાર સાથે દેખાવો કર્યા હતા અને દોઢ મહિનાથી કોન્ટ્રાકટ કંપની પગાર ચૂકવતી ન હોવાથી દિવાળીનો તહેવાર કરવો પણ મુશ્કેલ બન્યો હોવાનું જણાવ્યું હતું. હડતાલના પગલે દોડી આવેલા મ્યુનિ.અધિકારીઓ અને ઇજનેરોની દરમિયાનગિરી કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

હાલ દિવાળીનો પર્વ નજીક છે ત્યારે ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના લોકો માટે આર્થિક જરૂરિયાત મહત્વની હોય છે. એવામાં નાના કર્મચારીઓને પગાર કે બોનસની ચુકવણી કરવામાં ન આવે તો કપરી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે મનપામાં આર.કે.કોન્ટ્રાકટ એજન્સી હેઠળ જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર જેવા ભારે વાહનો ચલાવતા 375 જેટલા ડ્રાઇવરોને છેલ્લા દોઢ મહિનાથી એજન્સી દ્વારા પગાર ચુકવવામાં ન આવતા આજે મનપા કચેરીએ એકઠા થયા હતા અને સવારે 10 થી 11 એમ એક કલાક સુધી વીજળીક હડતાલ પાડી હતી. ડ્રાઈવરોએ હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું કે, દિવાળીનો તહેવાર નજીક છે પરંતુ એજન્સી દ્વારા દોઢ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. જયારે જયારે પગારની માંગણી કરવામાં આવે ત્યારે આપી દેશું, તમારા એકાઉન્ટમાં જમા કરાવી દેશું તેવા જવાબો આપવામાં આવે છે. અને આજ દિવસ સુધી પગાર ચુકવવામાં આવ્યો નથી. એજન્સીનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો હોવા છતાં અમારી પાસે કામ કરાવવામાં આવ્યું છે. શહેરીજનોને કોઈ તકલીફ ન પડે અને તંત્રની વ્યવસ્થા ખોરંભે ન ચડે એટલા માટે સહકાર આપી દોઢ મહિનાથી પગાર વગર કામ કરીએ છીએ પરંતુ હવે તહેવાર નજીક છે ત્યારે પણ જો પગાર બાબતે મગનું નામ મરી પાડવામાં આવતું ન હોવાથી ના છૂટકે વીજળીક હડતાલ કરવી પડી હતી. જો અમને પગાર નહીં મળે તો અમારા ઘર-પરિવારની દિવાળી બગડે તેવી સ્થિતિ છે કહી ડ્રાઈવરો દ્વારા કેમ્પસમાં સુત્રોચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિના પગલે મનપા અધિકારીઓ અને ઇજનેરો દોડી ગયા હતા અનેમાંડ કરીને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવરો હડતાલ પાડે તો દિવાળી સમયે જ કચરાના ડમ્પરો, જેસીબી, ફાયર, પાણીના ટેન્કર, ટ્રેકટર સહિતના ભારે વાહનોના પૈડાં થંભી જાય તો તંત્રની સાથે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application