રાજકોટ એટલે સ્યુસાઇડ સીટી કહેવું અતિશિયોક્તિ નથી કારણ કે દરરોજ સરેરાશ બે થી વધુ વ્યક્તિઓ આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવી રહ્યા છે, શહેરમાં 24 કલાકમાં વધુ ચાર સ્યુસાઇડ થયાનું નોંધાયું છે, હુડકો ક્વાર્ટર અને શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બે પ્રૌઢ, દોશી હોસ્પિટલ નજીક રહેતી પરિણીતા અને આમ્રપાલી બ્રિજથી એરપોર્ટ રોડ નજીક રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી છે,
શ્રીનાથજી સોસાયટીમાં પ્રૌઢે માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાધો
શ્રીનાથજી સોસાયટી, વિનાયક નગર શેરી નંબર-4માં રહેતા ધીરજલાલ આપાભાઈ ડાંગર (ઉ.વ.67)ના પ્રૌઢ ગત રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ઘરના રસોડામાં ગળાફાંસો લીધો હતો. રાત્રીના પરિવારજનો જાગીને જોતા પ્રૌઢ લટકતા હતા આ જોઈ બુમાબુમ કરતા પરિવારના અન્ય સભ્યો જાગીને દોડી આવ્યા હતા અને પ્રૌઢને બેભાન હાલતમાં ' સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. આપઘાત કરનાર ધીરજભાઈ નિવૃત જીવન જીવતા હતા. બે બહેન ત્રણ ભાઇમાં નાના હતા, સંતાનમાં બે દીકરા બે દીકરી છે, છેલ્લા કેટલાક સમયથી પ્રૌઢને માનસિક બીમારી હોય તેની દવા પણ ચાલુ હતી, તેના કારણે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ માલવીયાનગર પોલીસે હાથ ધરી છે.
હુડકો ક્વાર્ટરમાં પ્રૌઢે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
હુડકો ચોકડી નજીક ક્વાર્ટરમાં રહેતા યશવંતભાઈ જેન્તીભાઈ ભીમજીયાણી (ઉ.વ.63)ના પ્રૌઢ ગત સાંજે ચારેક વાગ્યે ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારના કહેવા મુજબ આપઘાત કરનાર યશવંતભાઈના પત્નીનું દોઢ વર્ષ પહેલા અવસાન થતા એકલવાયું જીવન લાગતું હોવાથી પગલું ભરી લીધાની આશંકા સેવાઈ રહી છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
મવડીની વિનાયક સોસાયટીમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત
માં દોશી હોસ્પિટલ નજીક વિનાયક શેરી નંબર-14માં રહેતા કિંજલબેન રાજેન્દ્રભાઈ રાઠોડ (ઉ.વ.24)ની પરિણીતાએ રાત્રીના આઠેક વાગ્યે ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. સાસુ બહારથી આવી જોતા પુત્રવધુ લટકતી હતી, સાસુએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને તાકીદે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર કિંજલબેનના લગ્ન થયાને ચાર વર્ષ જેટલો સમય થયો છે, પતિ રીક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે, સંતાનમાં એક દીકરી છે, તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.
પ્રેમમાં નિષ્ફ્ળતા મળતા યુવકનો ગળેટૂંપો ખાઈ આપઘાત
શહેરના આમ્રપાલી બ્રિજથી એરપોર્ટ તરફ જતા રોડ પર રહેતા મિહિર પંકજભાઈ જારેરા (ઉ.વ.23)ના યુવકે ગત મોડી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઘરે પંખામાં સાલ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. બનાવ પગલે ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મિહિરના પિતા હયાત નથી અને તેના કાકાને દૂધના ધંધામાં મદદ કરતો હતો અને માતા સાથે રહેતો હતો પરિવારના કહેવા મુજબ મિહિરને છેલ્લા ૨-૩ વર્ષથી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. યુવતીના પરિવારે તેણીના લગ્ન બીજા જોડે કરાવી નાખ્યા હતા. છતાં બંને એક બીજા ફોનમાં વાત કરતા હતા આ અંગે યુવતીના પરિવારને જાણ થતા પ્રેમસંબંધ મુદ્દે સાધુવાસવાણી રોડ ઉપર બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. પોલીસની હાજરીમાં યુવતીએ મિહિર સાથેના પ્રેમ સંબંધનો એકરાર કર્યો હતો અને મિહિર સાથે જ જીવન જીવવા તૈયાર હોવાનું કહ્યું હતું. એ પછી અચાનક યુવતીએ મિહિર સાથે રહેવાની અને લગ્ન કરવાની ના પાડી દેતા આ વાતનો આઘાત લાગતા પગલું ભરી લીધું હતું.