જામનગરના ગેંગરેપ-લુંટના ગુનામાં પેરોલ જમ્પ કરનાર કેદી ૧૨ વર્ષે પકડાયો
ઓપરેશન કારાવાસ-૨ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડને સફળતા : નવ રાજયના ૧૦૦ જેટલા રેલ્વે સ્ટેશન પર કરાયેલી તપાસ
જામનગરમાં ગેંગ રેપ અને લુંટના ગુનામાં આજીવન કારાવાસની સજામાં પેરોલ જમ્પ કરી નાશી છુટેલા કેદીને પેરોલ ફર્લો સ્કવોડે સાબરમતી રેલ્વે સ્ટેશન પાસેથી પકડી તપાસ લંબાવી છે. અલગ અલગ નવ રાજયોમાં આશરે ૧૦૦થી વધુ રેલ્વે સ્ટેશન ઉપર આરોપી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા ફરાર કેદીઓને પકડી પાડવા ઓપરેશન કારાવાસ-૨ ઝુંબેશનું આયોજન કરેલ હોય દરમ્યાન જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, જેથી એલસીબી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લોના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફ ગુનેગારોને શોધી કાઢવા જરી વર્કઆઉટમાં હતા. તથા પેરોલ ફર્લોની ટુકડી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ આદરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૨માં જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળા પર ગેંગ રેપનો ધૃણાસ્પદ બનાવ બનવા પામ્યો હતો જેમાં આરોપીની ધરપકડ કરી મજબુત પુરાવાઓ મેળવી ચાર્જશીટ કરવામાં આવેલ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ જે સજા દરમ્યાન પારસ ઉર્ફે ધોરીયો મોહન ઉર્ફે રામરોટી ડાભી રહે. જુના રેલ્વે સ્ટેશન જામનગરવાળો કેદી ગત તા. ૧૩-૮-૧૪થી દિન-૪ માટે વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયો હતો જેને શોધી કાઢવા તપાસ આદરવામાં આવી હતી. પેરોલ જમ્પ કરનાર આરોપી પોલીસથી બચવા ઓળખ છુપાવી સ્થાનો બદલાવી અલગ અલગ રાજયમાં આશ્રય લઇ રહયો હતો જે આધારે આરોપીને ટ્રેક કરવા અગાઉના રહેણાક સ્થળો, ટેકનીકલ એનાલીસીસથી સર્ચ કરવામાં આવ્યુ હતું.
પેરોલ ફર્લોને માહિતી મળેલ કે આરોપી અલગ અલગ રેલ્વે સ્ટેશન પર આશ્રય લઇ રહેલ છે જેના આધારે રાજય તથા મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, પશ્ર્ચિમ બંગાળ, છતીસગઢ, ઝારખંડ, દિલ્હી જેવા રાજયોમાં આશરે ૧૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી પેરોલ ફર્લો સ્કવોડના સુરેશભાઇ, ગજેન્દ્રસિંહ, લખધીરસિંહ, કરણસિંહ, દિવ્યરાજસિંહ, નિર્મળસિંહ, મહિપાલભાઇને મળેલ બાતમી અધારે કેદીને અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશન પાસેથી પકડી લીધો હતો.
આરોપી કેદી પારસ ઉર્ફે ધોરીયો છેલ્લા ૧૨ વર્ષ દરમ્યાન કેટલી જગ્યાએ આશ્રય લીધો અને ફરારી સમયગાળા દરમ્યાન કોઇ ગુનો આચરેલ છે કે કેમ એ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જેલ હવાલે કરવા તજવીજ ચલાવવામાં આવી રહી છે.