BREAKING NEWS

રાશનની દુકાને મારામારી કરનાર 4 શખસને 3-3 વર્ષની સખત કેદ

  • August 11, 2026 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રેશનિંગની દુકાને લાઈનમાં ઉભા રહેવાના ઝઘડામાં 4 વ્યક્તિઓને લાકડી અને ફાઈબરના પાઈપથી મારી ફ્રેક્ચર સુધીની ઈજા કરવાના કેસમાં જાફરાબાદ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે.

કેસની વિગત મુજબ આશરે 4 વર્ષ પહેલા ફરિયાદી ધરમભાઈ હમીરભાઈ ગોહિલ (રહે. ટીંબી) પોતાના ગામની રેશનિંગની દુકાને રેશન લેવા લાઈનમાં ઉભા હતા. દરમિયાન તેમણે દુકાનદારને વારો પૂછતા આરોપી ધર્મેન્દ્ર સુરૂભાઈ વાળાએ ઉશ્કેરાઈને ગાળો આપી અને કાંઠલો પકડી લીધો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓને બોલાવી લાકડી અને ફાઈબરના પાઈપથી જેમ ફાવે તેમ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ બાદ ચાર્જશીટ રજૂ થઈ અને કેસ જાફરાબાદ કોર્ટમાં ચાલ્યો. ફરિયાદી, સાહેદો, પંચો, મેડિકલ ઓફિસર અને તપાસ અધિકારીની જુબાની તથા દસ્તાવેજી પુરાવા જોતા કોર્ટે ફ્રેક્ચરનો ચાર્જ ઉમેર્યો હતો.

બાદમાં કેસ ચાલવા ઉપર આવતા સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધીની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અવલોકન કર્યું હતું કે આવા કિસ્સા સમાજમાં વધી રહ્યા છે. જો આવા લોકોને છોડવામાં આવે તો સમાજ વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા ખોરવાય. સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે, તેવી ટિપ્પણી સાથે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી. એમ. કામદારે આરોપીઓ (1) લખધીરભાઈ બહાદુરભાઈ વાળા, (2) ધર્મેન્દ્ર સુરૂભા વાળા, (3) બાબુભાઈ ઉર્ફે નરેન્દ્ર સુરૂભા વાળા અને (4) મયુરભાઈ હિંમતભાઈ વાળાને 3-3 વર્ષની સખત કેદ અને દરેકને રૂ. 6,000/- નો દંડ અને દંડની રકમ ફરિયાદીને વળતર પેટે આપવાનો પણ હુકમ કર્યો છે. આ ચુકાદા બાદ વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application