જામનગર શહેરમાં પુન: ગેરકાયદે ૪૦૦ બોર્ડ લાગ્યા, એસ્ટેટ વિભાગની ઓસરતી ધાક..!
વેપારીઓ અને ધંધાદારીઓને કાયદા-નિયમના ભંગનો કોઇ ભય ન હોય તેવી સ્થિતિ
શહેરમાં ઠેર-ઠેર મંજૂરી વગર ફીટ કરાયેલા બોર્ડ, હોર્ડિંગ અને કિયોસ્ક ઉતારી લેવાયાં
જામનગરમાં પુન: ગેરકાયદે ૪૦૦થી વધુ બોર્ડ ફીટ કરાતા મનપાની એસ્ટેટ વિભાગની ધાક ઓસરી ગઇ હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. શહેરમાં ઠેર-ઠેર મંજૂરી વગર ફીટ કરાયેલા બોર્ડ, હોર્ડીંગ અને કીયોસ્ક લાગ્યા બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતાં. શહેરમાં વેપારીઓ અને ધંધાદારીઓને કાયદા-નિયમ ભંગનો કોઇ ભય ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, છાશવારે આ પ્રકારે માર્ગો તથા અન્ય સ્થળોએ મંજૂરી વગર બોર્ડ ફીટ કરવામાં આવે છે.
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શહેરમાં વેપારીઓ અને ધંધાદારો દ્વારા પોતાની જાહેરાતો માટે જાહેર રસ્તાઓ પરના વીજપોલ, સ્ટ્રીટલાઇટના થાંભલા સહિતના સ્થળોએ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના લગાવવામાં આવેલાં બોર્ડ, હોર્ડિંગ અને કિયોસ્ક દૂર કરવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ શાખા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મનપાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગની ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને ગેરકાયદે લગાવવામાં આવેલાં જાહેરાતનાં બોર્ડ અને કિયોસ્ક દૂર કરવાની કાર્યવાહી કરી હતી. દબાણ હટાવ શાખાની રાહબરી હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન સમગ્ર દિવસમાં ૪૦૦થી વધુ બિનઅધિકૃત બોર્ડ, હોર્ડિંગ અને કિયોસ્ક ઉતારી લઈને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવવામાં આવ્યાં હતાં. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના અન્ય માર્ગો પર પણ મંજૂરી વિના જાહેરાત માટે લગાવવામાં આવેલાં બોર્ડ, હોર્ડિંગ કે અન્ય પ્રકારનાં દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જાહેર માર્ગો અને સ્ટ્રીટલાઇટના થાંભલાઓ પર બિનઅધિકૃત રીતે જાહેરાતો લગાવનારાઓ સામે દબાણ હટાવવાની ઝુંબેશ આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રાખવામાં આવશે.
દીવાળી ટાંકણે દરબારગઢથી માંડવી ટાવર સુધી મનપાની દબાણ હટાવ ઝુંબેશ:
જામનગર શહેરના મુખ્ય અને ગીચ દરબારગઢથી માંડવી ટાવર સુધી એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જાહેર માર્ગો પર અનધિકૃત રીતે રેંકડી-પથારા રાખી તેમજ વેચાણનો સામાન પાથરીને વેપાર કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતાં સ્થળ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. મનપાની ટીમે કાર્યવાહી દરમિયાન કપડાં સહિતનાં પુતળાં, માલ ભરવાનાં ઝબલાં, એક વેલો, લોખંડનું ટેબલ, સાત વજનકાંટા, બે છત્રીઓ, પ્લાસ્ટિકના બે પાઇપ, બે પ્લાસ્ટિકના પાટલા, એક ખાલી કેરેટનું ખોખું, ચાર ઝુલા, થેલી, એક લોખંડનું ત્રિકોણ સ્ટેન્ડ તેમજ પ્લાસ્ટિકનાં મુંઢાં સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા નિવારવા અને જાહેર જગ્યાઓ દબાણમુક્ત રાખવા માટે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.