BREAKING NEWS

ઇમ્પેકટ ફીની ૧૫,૫૧૫ અરજીમાંથી ૫,૪૪૮ મંજૂર, ૩૩૫૮ નામંજૂર, ૬૭૦૮ હજુ પેન્ડિંગ

  • July 21, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપના કોર્પોરેટર દ્વારા ઇમ્પેક્ટ ફી હેઠળ કરાયેલા બાંધકામોને ગુડા-૨૦૨૨ યોજના અંતર્ગત નિયમિત કરવાની પ્રક્રિયા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહાનગરપાલિકા તંત્રએ મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી છે. રજૂ કરાયેલા સત્તાવાર જવાબ મુજબ રાજકોટ શહેરમાં ગુડા-૨૦૨૨ યોજના હેઠળ પશ્ચિમ ઝોનમાં ૭૦૭૮, સેન્ટ્રલ ઝોનમાં ૫૪૧૨ અને પૂર્વ ઝોનમાં ૩૧૨૪ મળી કુલ ૧૫,૫૧૫ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તંત્રના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ ૫૪૪૮ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે નિયમોને અનુરૂપ ન હોવાથી અથવા અન્ય કારણોસર ૩૩૫૮ અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. ઉપરાંત હજુ પણ કુલ ૬૭૦૮ અરજીઓ વિવિધ તબક્કે પડતર છે. આ આંકડા દર્શાવે છે કે નોંધપાત્ર સંખ્યામાં અરજીઓનો અંતિમ નિકાલ થવાનો બાકી છે. મહાનગરપાલિકાના જવાબમાં જણાવાયું છે કે પડતર રહેલી મોટાભાગની અરજીઓમાં અરજદારોને ક્ષતિપૂર્તિ પત્ર પાઠવવામાં આવ્યા છે. પરંતુ અરજદારો દ્વારા જરૂરી દસ્તાવેજો, સ્પષ્ટતા અથવા ક્ષતિપૂર્તિ સમયસર રજૂ કરવામાં આવી નથી. જેના કારણે આ અરજીઓની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી. તંત્રના જણાવ્યા મુજબ આવી અરજીઓ નિયમો મુજબ મંજૂરીને પાત્ર હોવા છતાં જરૂરી દસ્તાવેજોના અભાવે અંતિમ નિર્ણય લઈ શકાતો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા યોજના હેઠળ અરજદારોને વધુ તક આપવા માટે સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તા.૧૫ જૂન, ૨૦૨૬ના જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ યોજના હેઠળ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ વધારાના સમયગાળા દરમિયાન અરજદારો જરૂરી દસ્તાવેજો રજૂ કરીને પોતાની અરજીનો નિકાલ કરાવી શકશે. જનરલ બોર્ડમાં આપવામાં આવેલા આ સત્તાવાર જવાબથી સ્પષ્ટ થાય છે કે યોજના હેઠળ મોટી સંખ્યામાં અરજીઓ હજુ પણ પ્રક્રિયામાં છે અને તેના મુખ્ય કારણ તરીકે અરજદારો તરફથી જરૂરી દસ્તાવેજો તથા ક્ષતિપૂર્તિ સમયસર પૂર્ણ ન થવી જવાબદાર હોવાનું મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું છે. હવે રાજ્ય સરકારે આપેલા વધારાના સમયનો લાભ લઈને બાકી રહેલી અરજીઓનો ઝડપી નિકાલ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application