જામનગર સહીત રાજયભરમાં આગામી તા.૨૬ ફેબ્રુઆરીના બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. ત્યારે જામનગર શહેર-જિલ્લાની માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના ધો.૧૦ અને ૧૨ના ૫૦ શિક્ષકો એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત હોય આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. સરકારી શાળા અને કોલેજોના શિક્ષકો-પ્રોફેસરોને મતદાર યાદી સઘન સુધારણા કામગીરીમાં જોતરાતા અભ્યાસ ઠપ્પથી વિધાર્થીઓનું ભાવી ડામાડોળ થઇ ગયું છે. શિક્ષકો-પ્રોેફેસરોની ઘટ વચ્ચે એસઆઇઆરની કામગીરીની સોંપણીથી સરકારી શાળા અને કોલેજોમાં વિધાર્થીઓ જાયે તો જાયે કહાની સ્થિતિમાં મૂકાયા છે. ત્યારે જો નબળું પરિણામ આવશે તો જવાબદાર કોણ? તે સવાલ ઉઠ્યો છે.
જામનગર સહીત રાજયભરમાં ગત તા.૧ નવેમ્બરથી એસઆઇઆર એટલે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ થઇ છે. આ કામગીરીમાં સરકારના જુદા-જુદા વિભાગો અને કચેરીઓના અધિકારીઓ તથા કર્મીઓને બીએલઓની ફરજની સોંપણી કરાઇ છે. પરંતુ બીએલઓ તરીકે ફરજ સોંપણીમાં મોેટાભાગની સરકારી શાળા અને કોલેજોના શિક્ષકો અને પ્રોફેસરોનો સમાવેશ થાય છે. જેના કારણે શાળા-કોલેજોમાં શૈક્ષણીક કાર્ય મહદઅંશે ઠપ્પ થઇ ગયું છે. આથી નિયપ સમયમર્યાદામાં કોર્સ પૂરા કરવો એ મોટો પડકાર બન્યો છે. બીજી બાજુ એસઆઇઆરની કામગીરીના કારણે શાળા-કોલેજોમાં અભ્યાસની કામગીરી મોટા ભાગે ઠપ્પ થતા વિધાર્થીઓનું ભાવી ડામાડોળ થયું છે. નવાઇની વાત તો એ છે કે,આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.
ત્યારે જામનગર શહેર-જિલ્લામાં કાર્યરત સરકારી માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના ધો.૧૦ અને ૧૨ના ૫૦ શિક્ષકો એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત છે. કોઇપણ વિધાર્થીની કારર્કીદીમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા અને તેના પરિણામનું ખૂબજ મહત્વ છે. આ સ્થિતિમાં શહેર-જિલ્લાની ધો.૧૦ અને ૧૨ ની સરકારી શાળાના ૫૦ શિક્ષકો એસઆઇઆરની કામગીરીમાં જોતરાયા હોય આ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ભવિષ્યનો ભોગ લેવાઇ રહ્યાની ફરિયાદો વાલીઓમાં ઉઠી છે.
ગત તા.૧ નવેમ્બરથી એસઆઇઆરની કામગીરી ચાલુ થઇ ગઇ હોય શિક્ષકો રોકાયા હોય દ્રીતીય શૈક્ષણીક સત્રથી માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાના વિધાર્થીઓને ઘોર અન્યાય થઇ રહ્યો છે. સૌથી દુ:ખદ અને ચોંકાવનારી વાત તો એ છે કે, મોટાભાગની સરકારી શાળા અને કોલેજોમાં શિક્ષકો અને પ્રોફેસરોની ઘટ છે. આ સમસ્યાથી સ્થાનીક વહીવટી તંત્ર તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ વાકેફ છે તે સ્વાભાવીક છે. આમ છતાં સરકારી શાળાના શિક્ષકો અને પ્રોફેસરોને એસઆઇઆરની કામગીરીમાં જોતરાતા શૈક્ષણીક કાર્ય ઠપ્પ થતા વિધાર્થીઓનું ભાવી તો બગડી રહ્યું છે. તદઉપરાંત નબળા પરિણામની શકયતા પણ નકારી શકાતી નથી.
અહો આશ્ર્ચર્યમ..સરકારી શાળામાં બાલવાટીકાથી ધો.૮માં બાળવાર્તા કાર્યક્રમનો નવો ફતવો
જામનગર સહીત રાજયભરમાં સરકારી શાળાના મોટાભાગના શિક્ષકો બીએલઓ તરીકે એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત છે. આમ છતાં શિક્ષણ વિભાગ દ્રારા દરરોજ નીતનવા ફતવારૂપી પરિપત્રો કરવામાં આવી રહ્યા છે. એસઆઇઆરની સાથે શિક્ષણ સહીત અન્ય કામગીરીથી શિક્ષકો ભારે માનસીક તણાવ અને દબાણ અનુભવી રહ્યા છે. આ કારણોસર શિક્ષકોના મૃત્યુના કિસ્સા પણ બની ચૂકયા છે. આમ છતાં શિક્ષણ વિભાગ દ્રારા નવા ફતવારૂપી પરિપત્રનો સીલસીલો યથાવત રખાયો છે. તા.૪ ડીસેમ્બરના જીસીઇઆરટીના નિયામક દ્રારા સરકારી શાળાઓમાં બાલવાટીકાથી ધો.૮ માં બાળવાર્તા કાર્યક્રમના આયોજનનો પરિપત્ર કરાયો છે. જેમાં શાળા,સીઆરસી, તાલુકા અને જિલ્લાકક્ષાએ આ કાર્યક્રમ ૧૫ ડીસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવા સૂચના અપાઇ છે. ત્યારે એસઆઇઆરની કામગીરીમાં વ્યસ્ત શિક્ષકો અને આચાર્યો પર વધુ એક કામગીરીનું ભારણ ઝીંકવામાં આવ્યું છે.
સરકારી પોલીટેકનીક કોલેજના છાત્રોની દયનીય હાલત, પ્રોફેસર એસઆઇઆરની કામગીરીમાં
જામનગરની એકમાત્ર સરકારી પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દયનીય સ્થિતિમાં મૂકાયા છે. કારણ કે, કોલેજમાં અભ્યાસ કરાવતા કુલ ૫૭ માંથી ૧૪ પ્રોફેસરને એસઆઇઆરની કામગીરીમાં જોતરાયા છે. જયારે અન્ય ૮ પ્રોફેસર એમઇનો કોર્સ કરવા ગયા છે. જેના કારણે સરકારી કોલેજમાં અભ્યાસની કામગીરી મહદઅંશે ઠપ્પ થઇ ગઇ છે. નવાઇની વાત તો એ છે કે, પોલીટેકનીક કોલેજમાં પ્રોફેસરોને એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે તેના વિકલ્પ તરીકે કોઇ પ્રોફેસર ન હોય વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યાની ફરિયાદો વાલીઓમાં જોરશોરથી ઉઠી છે. આ સરકારી કોલેજમાં હાલમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં ૬૦૦, થર્ડ સેમેસ્ટરમાં ૪૭૫ અને ફાઇનલ સેમેસ્ટરમાં ૩૫૦ મળી કુલ ૧૪૨૫ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
જામનગરની એકમાત્ર સરકારી પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દયનીય સ્થિતિમાં મૂકાયા છે. કારણ કે, કોલેજમાં અભ્યાસ કરાવતા કુલ ૫૭ માંથી ૧૪ પ્રોફેસરને એસઆઇઆરની કામગીરીમાં જોતરાયા છે. જયારે અન્ય ૮ પ્રોફેસર એમઇનો કોર્સ કરવા ગયા છે. જેના કારણે સરકારી કોલેજમાં અભ્યાસની કામગીરી મહદઅંશે ઠપ્પ થઇ ગઇ છે. નવાઇની વાત તો એ છે કે, પોલીટેકનીક કોલેજમાં પ્રોફેસરોને એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે તેના વિકલ્પ તરીકે કોઇ પ્રોફેસર ન હોય વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યાની ફરિયાદો વાલીઓમાં જોરશોરથી ઉઠી છે. આ સરકારી કોલેજમાં હાલમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં ૬૦૦, થર્ડ સેમેસ્ટરમાં ૪૭૫ અને ફાઇનલ સેમેસ્ટરમાં ૩૫૦ મળી કુલ ૧૪૨૫ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.