વિસનગરમાં 15 વર્ષની સગીરા પર છ શખ્સોએ ગેંગરેપ કર્યાની ઘટના પછી ઉનામાં પણ 50 વર્ષની મહિલા પર ત્રણથી વધુ શખ્સોએ ગેંગરેપ કર્યાની ઘટના સામેં આવી છે. 24 કલાકમાં ગેંગરેપની બે-બે ઘટનાથી ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે.
ઉના હોસ્પિટલથી મહિલાને જુનાગઢ ખસેડવામાં આવી
મળતી માહિતી મુજબ, ઉના પાસે કોસ્ટલ દરિયા કાંઠે 50 વર્ષની મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામુહિક બળાત્કાર ગુજાર્યા બાદ નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમની તબિયત લથડી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ઉના હોસ્પિટલથી જુનાગઢ ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
નરાધમોએ મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખસએ તેમને ફોસલાવીને લઈ ગયા હતા અને સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું હતું.
ગેંગરેપ બાદ નરાધમો ફરાર થઈ ગયા
ગેંગરેપ બાદ નરાધમો ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી, જેની સાથે તેમને છેલ્લા સાત વર્ષથી સંબંધ હતા.
પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો
યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ફરજ પરના તબીબે આ અંગે પોલીસને જાણ કરતા પીઆઈ મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો છે અને ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી છે.