BREAKING NEWS

ઓલા-ઉબેર અને રેપિડોમાં 112 પેનિક બટન ઇન્ટિગ્રેટ, ગુજરાત પોલીસના કાફલામાં 500 નવા ‘જનરક્ષક’ વાહનો ઉમેરાયા

  • August 24, 2026 06:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના નાગરિકોની ઝડપી સુરક્ષા અને સેવા માટે 112 'જનરક્ષક' પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે તા.૨૫ ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસને 500 નવા અત્યાધુનિક ‘જનરક્ષક’ વાહનો સમર્પિત કરવામાં આવશે.


રાજ્યમાં વધતી વસ્તી, શહેરી વિસ્તરણ અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલામાં વધુ 500 નવા જનરક્ષક વાહનો કાર્યરત કરવામાં આવશે. આ નવા વાહનો સાથે હવે સમગ્ર રાજ્યમાં 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે ઉપલબ્ધ થશે. 


જનરક્ષકના અમલીકરણના માત્ર 11 માસના ટૂંકા ગાળામાં આ સેવામાં 11.04 લાખથી વધુ ઇમરજન્સીમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા અપાઈ છે. 

આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD-કમ્પ્યુટર એડેડ ડિસ્પેચ સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થઈ ચૂક્યો છે. નવા વાહનો અને ટેક્નોલોજીથી આ સમયમાં હજુ વધુ ઝડપી બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હવે સરહદની સીમાઓ બાધારૂપ ન બને તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ અમલી બનાવી ઘટના સ્થળથી સૌથી નજીક ઉપલબ્ધ PCRને રવાના કરવામાં આવશે.


ડાયલ 112 અંતર્ગત પોલીસ (100), એમ્બ્યુલન્સ (108), ફાયર (101), મહિલા હેલ્પલાઇન (181), ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) તથા ડિઝાસ્ટર હેલ્પલાઇન (1070) ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન જેવી વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તાજેતરમાં ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી એપ્સમાં પણ 112 પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે.


નવા જનરક્ષક PCR વાહનોની મુખ્ય વિશેષતાઓ

24x7 કામગીરી માટે વાહનો AC યુક્ત તેમજ સેફ્ટી ગ્રીલ/પ્રોટેક્ટિવ સ્ટ્રક્ચરથી સજ્જ.

રિયલ-ટાઇમ માહિતી માટે Mobile Data Terminal (MDT) અને GPS વ્હીકલ ટ્રેકિંગ.

ઇમરજન્સી લાઇટ બાર વિથ સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ (PAS), ફાયર એક્સટિંગ્યુશર, ફર્સ્ટ-એઇડ કીટ અને સર્ચ લાઇટ ટોર્ચ.

સ્ટાફ માટે બોડી-વોર્ન કેમેરા, હેલ્મેટ, પ્રોટેક્ટિવ ગિયર અને ડેશ કેમ.

દરેક વાહન પર 24x7 ફરજ માટે 1 ASI/HC + 2 કોન્સ્ટેબલ + 1 ડ્રાઇવર તૈનાત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application