ગુજરાત પોલીસના આઈપીએસ કેડરમાં પેઢીગત બદલાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 1 જાન્યુઆરી, 2026ની સ્થિતિ દર્શાવતી આઈપીએસ સિવિલ લીસ્ટ મુજબ ગુજરાત કેડરના કુલ 198 આઈપીએસ અધિકારીઓમાંથી 105 અધિકારીઓ મિલેનિયલ્સ અને જેન-ઝી પેઢીના છે, એટલે કે કેડરના આશરે 53 ટકા અધિકારીઓ યુવા પેઢીના છે. આ પ્રમાણ સાથે ગુજરાત 25 આઈપીએસ કેડરમાં મિલેનિયલ્સ અને જેન-ઝીની સંયુક્ત ભાગીદારીના મામલે આઠમા ક્રમે છે.
સિવિલ લીસ્ટમાં 1981થી 1996 દરમિયાન જન્મેલા અધિકારીઓને મિલેનિયલ્સ અને 1997 કે ત્યારબાદ જન્મેલા અધિકારીઓને જેન-ઝી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ગુજરાત કેડરમાં જેન-ઝી અધિકારીઓની સંખ્યા હાલમાં આશરે 4 ટકા છે, પરંતુ તેમની હાજરી રાજ્ય પોલીસ દળમાં નવી પેઢીના પ્રવેશને દર્શાવે છે.
ગુજરાત કેડરની જેન-ઝી યાદીમાં સિમરન ભારદ્વાજ, જયવીર ગઢવી, હર્ષ શર્મા, ગૌતમ વિવેકાનંદન, માનસી મીના, મૌસમ મહેતા, અનિકેત પટેલ અને આકાશ ચાવડાનો સમાવેશ થાય છે. સિમરન ભારદ્વાજ અને માનસી મીના, બંનેનો જન્મ વર્ષ 2000માં થયો હોવાથી તેઓ ગુજરાત કેડરના સૌથી યુવા આઈપીએસ અધિકારીઓ છે.
આ અધિકારીઓ વિવિધ જવાબદારીઓમાં ફરજ બજાવી રહ્યા છે અથવા તાલીમ લઈ રહ્યા છે. કેટલાક અધિકારીઓને આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે ફિલ્ડ પોસ્ટિંગ પણ મળી છે. Gen Zની સંખ્યા નાની હોવા છતાં તેમની એન્ટ્રી ગુજરાત પોલીસના કેડરમાં નવી પેઢીના આગમનનું મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવે છે.
ગુજરાતના આઈપીએસ કેડરમાં યુવા અધિકારીઓની મોટી સંખ્યા પાછળ મિલેનિયલ્સનો મોટો હિસ્સો પણ મહત્વપૂર્ણ છે. એકલા મિલેનિયલ્સ જ રાજ્યના કુલ આઈપીએસ કેડરના લગભગ અડધા જેટલા છે. આ રીતે યુવા પેઢીના અધિકારીઓનો સંયુક્ત હિસ્સો 53 ટકા સુધી પહોંચે છે.
આ આંકડા 1 જાન્યુઆરી, 2026ની સ્થિતિ દર્શાવે છે અને તેમાં સીધી ભરતીથી આવેલા આઈપીએસ અધિકારીઓ ઉપરાંત પ્રમોશન ક્વોટા હેઠળ કેડરમાં સામેલ થયેલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
આગામી પાંચ વર્ષમાં ગુજરાત કેડરના સંખ્યાબંધ વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થવાના હોવાથી કેડરની રચનામાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. સિવિલ લીસ્ટ મુજબ 2026માં ચાર, 2027માં ચાર, 2028માં છ, 2029માં ચાર અને 2030માં છ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. આમ, કુલ 24 અધિકારીઓ આગામી પાંચ વર્ષમાં નિવૃત્ત થવાના હોવાથી ગુજરાત પોલીસના આઈપીએસ કેડરમાં યુવા અધિકારીઓની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની શકે છે.