53 વર્ષ જૂનો સોવિયેત ઉપગ્રહ આવતા અઠવાડિયે બેકાબુ થઇ પૃથ્વી પર પડશે, ક્યાં પડશે તેનો કોઈ ચોક્કસ અંદાજ નથી

  • May 02, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


53 વર્ષ જૂનું એક સોવિયેત અવકાશયાન જે શુક્ર પર લેન્ડીંગ માટે બનાવાયું હતું તે આવતા અઠવાડિયાના અંતમાં બેકાબૂ રીતે પૃથ્વી પર પડવાની તૈયારીમાં છે. આ અવકાશયાનનું નામ કોસ્મોસ 482 છે. તે સોવિયેત યુનિયનના વેનેરા કાર્યક્રમનો ભાગ હતું. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ અવકાશયાન 10 મે, 2025 ની આસપાસ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે, પરંતુ તે ક્યાં પડશે તેનો કોઈ ચોક્કસ અંદાજ નથી.


કોસ્મોસ 482ને સોવિયેત યુનિયન દ્વારા 1972માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અવકાશયાન વેનેરા પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યું હતું, જેનો હેતુ શુક્રની સપાટી પરથી ડેટા એકત્રિત કરવાનો હતો. આ અવકાશયાન વેનેરા 8નું સાથી અવકાશયાન હતું, જે જુલાઈ 1972 માં શુક્રની સપાટી પર ઉતર્યું હતું અને 50 મિનિટ સુધી ડેટા મોકલ્યો હતો.


શુક્ર ગ્રહનું વાતાવરણ અત્યંત ગરમ અને ઝેરી છે. કોસ્મોસ 482 ના લેન્ડર ભાગને આ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જોકે, કોસ્મોસ 482 તેના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યું નહીં. સોયુઝ રોકેટના ઉપરના ભાગમાં ખામી સર્જાઈ હતી જે તેને અવકાશમાં લઈ જતું હતું, જેના કારણે અવકાશયાનને શુક્ર સુધી પહોંચવા માટે જરૂરી ગતિ મળી ન હતી. આ અવકાશયાન પૃથ્વીની લંબગોળ ભ્રમણકક્ષામાં અટવાઈ ગયું.


લોન્ચ થયા પછી, કોસ્મોસ 482 બે ભાગમાં વિભાજિત થઈ ગયું. મુખ્ય ભાગ અને લેન્ડર. ૧૯૮૧માં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ મુખ્ય ભાગ નાશ પામ્યો હતો, પરંતુ લેન્ડરનો ભાગ છેલ્લા ૫૦ વર્ષથી પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છે. હવે, નેધરલેન્ડ્સની ડેલ્ફ્ટ ટેકનિકલ યુનિવર્સિટીમાં અવકાશ પરિસ્થિતિગત જાગૃતિના લેક્ચરર માર્કો લેંગબ્રોકે ટેલિસ્કોપ વિશ્લેષણના આધારે ખુલાસો કર્યો છે કે લેન્ડર ટૂંક સમયમાં પૃથ્વી પર પાછો ફરશે.


લેંગબ્રોકના મતે, આ 495 કિલોગ્રામ અને 1 મીટર પહોળું લેન્ડર 10 મે, 2025 ની આસપાસ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે. સૌથી મહત્વની વાત એ છે કે આ લેન્ડરને શુક્રના કઠોર વાતાવરણનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું હતું, તેથી તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતી વખતે પણ અકબંધ રહી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application