પડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ

  • May 02, 2025 09:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. આ દરમિયાન, રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. અને પડધરી પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં પડધરી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલાને પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરવાના આરોપમાં ઝડપી પાડી છે.


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહની સૂચનાથી એલ.સી.બી.ના એ.એસ.આઈ. રવિદેવભાઈ બારડ અને વકારભાઈ આરબને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીમાં જણાવવામાં આવ્યું હતું કે મોવીયા સર્કલ પાસે એક મહિલા કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વિના હાજર છે.


​​​​​​​એલ.સી.બી.ની ટીમે પડધરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.પરમાર અને તેમના સ્ટાફ સાથે મળીને તપાસ કરતાં સાહીદાબેન નામની 34 વર્ષીય મહિલા મળી આવી હતી. પૂછપરછ દરમિયાન સાહીદાબેન પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાનકાર્ડ જેવા કોઈ પણ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા. વધુ પૂછપરછ કરતાં તેણીએ પોતે બાંગ્લાદેશની નાગરિક હોવાનું અને કોઈપણ વિઝા કે ભારત સરકારની મંજૂરી વગર અહીં રહેતી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેની પાસેથી બાંગ્લાદેશનું આઈડી કાર્ડ પણ જપ્ત કર્યું છે.

હાલમાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક સાહીદાબેનની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા અને પડધરી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application