રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરમાં ખાણીપીણીના પદાર્થો વેંચતી ૪૮ પેઢીની તપાસ કરવામાં આવી હતી જેમાં સ્થળ ઉપર કાર્યવાહી કરી કુલ ૬૬૨ કિલો અખાદ્ય,/વાસી, એક્સપાયરી ડેઇટ વિતાવેલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જે પૈકી કુલ નવ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારી રૂ.૨૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ કુલ ચાર નમૂના લઈને ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે.
વિશેષમાં મ્યુનિ.ફૂડ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ, આઈકોન-૨ બિલ્ડીંગ, હરીનગર, સાધુ વાસવાણી રોડ, રાજકોટ મુકામે સ્થળ તપાસ કરતાં પેઢીમાં સ્ટોરેજ કરેલ અંદાજીત ૫૯૬ કિલો લેબલ વગરનો સપ્લાયર કે ઉત્પાદનની વિગતો તેમજ યુઝ બાય ડેટ દર્શાવ્યા વગરનો પડતર શાકભાજી તથા ફ્રુટનો જથ્થો ઝડપાયો હતો જેનો કચરા નિકાલ માટેના મ્યુનિ.ટીપર વાનમાં ફેંકીને દ્વારા નાશ કરવામાં આવ્યો હતો તેમજ હાઈજેનિક કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.૧૦ હજારનો દંડ વસુલ કરાયો હતો.