BREAKING NEWS

જામનગર જિલ્લામાં જુદા જુદા ૬ વાહન અકસ્માતમાં આઠ વ્યક્તિને ઇજા

  • September 09, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં જુદા જુદા ૬ વાહન અકસ્માતમાં આઠ વ્યક્તિને ઇજા

ડીકેવી સર્કલ, લાલપુર ચોકડી, થાવરીયા રોડ, વડાળા પાટીયા, જાંબુડા રોડ,  ગજણામાં અકસ્માત સર્જાયા : ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા

જામનગર શહેર તથા જિલ્લામાં અલગ અલગ સ્થળે સર્જાયેલા પાંચ માર્ગ અકસ્માતમાં સાત વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. જેમાં બે વૃદ્ધ સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચાર અકસ્માતમાં ટક્કર મારનાર વાહનચાલકો વાહન સાથે નાસી છૂટતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

જામનગરના આલાપ સોસાયટીમાં રહેતા અને ગુરુદ્વારા ચોકડી ખાતેની બેંકમાં સહાયક મેનેજર તરીકે નોકરી કરતા ૨૨ વર્ષીય શકતીરાજસિંહ ગુણવંતસિંહ ઝાલા તા.૨ સપ્ટેમ્બરની રાત્રે લાલપુર બાયપાસ ચોકડીથી પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. અવધ હોન્ડાના શોરૂમ સામે પહોંચતાં કાળા રંગની અજાણી ફોરવ્હીલ ગાડીના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી પાછળથી ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાઈ વાહન નીચે ફસાઈ ગયા હતા. આસપાસના લોકોએ વાહન ઊંચું કરી તેમને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં બંને ઘૂંટણ તથા ડાબા હાથમાં છોલછાલ ઉપરાંત ડાબા કાન પાછળ ગંભીર ઇજા થતાં જી.જી. હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા. સારવાર બાદ તા.૪ સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બીજા બનાવમાં જામનગર નજીક ઠેબા ચોકડીથી વિજરખી ગામ તરફ મોટરસાઇકલ પર જતા ૬૫ વર્ષીય દાનાભાઈ નથુભાઈ પરમારને તા.૩ સપ્ટેમ્બરે સાંજે થાવરિયા પાસે આઇ.ઓ.સી.ના ગેટ નજીક અજાણી ફોરવ્હીલ ગાડીએ અડફેટે લીધા હતા. માથામાં ગંભીર ઇજા ઉપરાંત બંને પગ તથા જમણા હાથના કોણી અને જમણા પગમાં ઇજાઓ થતાં ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. પુત્ર અજયભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
​​​​​​​
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટીયા પાસે તા.૩ સપ્ટેમ્બરે ૪૮ વર્ષીય મજૂર દિનેશભાઈ આલાભાઈ બાબરીયા તથા સુરેશભાઇ બાબરીયા ઇકો ગાડી જીજે૩એફબી-૨૦૯૬ લઇને પાટીયા સાામે જમવા ગયા હતા અને રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાલાવડ તરફથી આવતી ફોરવ્હીલ ગાડી નં. જીજે-૦૩-એનએફ-૨૧૮૬ના ચાલકે અડફેટે લીધા હતા.  જેમાં દિનેશભાઈને અકસ્માતમાં બંને પગમાં ફ્રેક્ચર તથા કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી. પ્રથમ કાલાવડ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં બંને પગના ફ્રેક્ચરની સારવાર તથા શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. અકસ્માત બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. દિનેશભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના ગજણા ગામના બસ સ્ટેશન આગળ તા.૧૮ ઓગસ્ટે બોલેરો પીકઅપની ટક્કરે દંપતી ઘવાયું હતું. મુરીલા ગામના ૪૯ વર્ષીય હાજાભાઈ કેસુરભાઈ બંધીયા પત્ની સાથે મોટરસાઇકલ નં. જીજે-૧૦-બીસી-૨૨૭૪ પર લાલપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોળાઈમાં બોલેરો પીકઅપ નં. જીજે-૩૭-વી-૬૭૮૭ના ચાલકે બેદરકારીપૂર્વક ટક્કર મારતાં બંને રોડ પર પટકાયા હતા. હાજાભાઈના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે તેણીના જમણા ખભામાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અને શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી.

જામનગરના તેજપ્રકાશ સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ સુરાણી (ઉ.વ.૭૮) ગત તા. ૧ના રોજ ડીકેવી સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે કાળા રંગની એક્ટિવા નં. જીજે-૧૦-ડીએમ-૪૨૯૭ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી હંકારી અડફેટે લીધા હતા. જેમાં વૃઘ્ધને માથામાં મુંઢ માર તથા ડાબા પગની પેનીના ભાગે ફ્રેક્ચર થતાં તેમને જી.જી. હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત બાદ એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તના પુત્ર જીતેન્દ્રભાઈની ફરિયાદના આધારે સીટી-બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના ટીટોડી વાડીમાં રહેતા સુહાનાબેન બોદુભાઇ ગોધાવીયા (ઉ.વ.૧૯)એ બુલેટ બાઇક નં. જીજે૧૦સીકયુ-૩૦૬૩ના ચાલક સામે બે દિવસ પહેલા એવી ફરીયાદ કરી હતી કે આમરણ ગામે આવેલ દરગાહે જતા હતા અને જાંબુડા પાટીયા પાસે પહોચતા પાછળથી બુલેટના ચાલકે બેદરકારીથી ચલાવી રીક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૬૩૫૧ની સાથે ભટકાડી અકસત સર્જયો હતો જેમાં ફરીયાદી તથા સાહેદ શફીનાબેન બંને રીક્ષામાંથી પડી જતા શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application