રાજકોટમાં ન્યૂ રિંગ રોડ ઉપર મુંજકાથી કટારીયા ચોક તરફ જતા રસ્તે ત્રણ માઇનોર બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના કામમાં ગંભીર બેદરકારીઓ સામે આવતા કમિશનરે બે ડેપ્યુટી ઇજનેરોને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો તેમજ ડેપ્યુટી કમિશનર અને સિટી એન્જિનિયર સહિતના બેને શો કોઝ નોટિસ ફટકારી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રાજકોટ મહાપાલિકા દ્વારા નિર્માણાધીન ત્રણ બ્રિજની રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી. સ્થળ મુલાકાત દરમિયાન બ્રિજની કામગીરીની પ્રગતિ, ગુણવત્તા, મેનપાવર, સાઇટ મોનીટરીંગ તથા સમયમર્યાદા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.સ્થળ મુલાકાત દરમ્યાન કમિશનર દ્વારા ત્રણેય બ્રિજમાં કામગીરી અંગે ખામીઓ માલૂમ પડતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સર્વે કરવા સૂચના આપવામાં આવી હતી. સર્વેમાં પ્રોજેક્ટની કામગીરીમાં જોવા મળેલી ખામીઓ બદલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરાઇ હતી.
પીએમયુ દ્વારા નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નિર્માણાધીન ત્રણ બ્રિજના પ્રોજેક્ટનો સર્વે કરામાં આવ્યો. સર્વેમાં મહત્વપૂર્ણ ભૂલો અને ખામીઓ ધ્યાને આવી હતી. ખામીઓને ધ્યાનમાં લઈને વોર્ડ નં.૯ના નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વિજય સી. કારીયા અને આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) વિશાલ એમ.વાગડીયાને સુપ્રત કરાયેલ તેઓના વોર્ડ વિસ્તારમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ અને ન્યૂ રિંગ રોડ ઉપર કુલ ત્રણ બ્રિજ ( બીઆર-૨, બીઆર-૩, બીઆર-૪)ના વાઇડનિંગની કામગીરીનું સુપરવિઝન, મોનીટરીંગ અને દેખરેખની કામગીરી સુપ્રત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર દ્વારા તા.૭.૯.૨૦૨૬નાં રોજ વોર્ડ નં.૯નાં વોર્ડ વિસ્તારમાં ચાલુ વિકાસનાં કામો માટે સાઈટ વિઝીટ કરવામાં આવેલ હતી જેમાં રીંગ રોડ ઉપર કુલ-૩ બ્રિજ વાઇડનિંગની કાર્યરત કામગીરીની ચકાસણી કરતા વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ જણાયેલ છે તેમજ પીએમયુના આવેલ રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટની કામગીરીમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવાયેલ હોવાનું ફલિત થયેલ હતું.
ઉક્ત વિગતોને ધ્યાને લેતા વોર્ડ નં.૯માં નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) વિજય સી. કારીયા અને આસીસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) વિશાલ એમ.વાગડીયાની કામગીરીમાં વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ અને ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી શીથીલતા અને નિષ્કાળજી દાખવેલ હોવાનું ફલીત થતાં તાત્કાલિક અસરથી ફરજોમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વેસ્ટ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સિટી એન્જિનિયર કુંતેશ મહેતાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.