રાજકોટમાં રા.લો. સંઘની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લઈને મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રા.લો. સંઘની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી, નીતિન ઢાકેચા સહિત 61 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં 59 ભાજપના અને બે ફોર્મ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સ્થિતિને પગલે ચૂંટણીમાં ઉમેદવારીને લઈને અનેક અટકળો શરૂ થઈ છે.
આ ચૂંટણી માટે છેલ્લા ઘણા સમયથી જિલ્લાના બે મોટા નેતા અને બે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને અરવિંદ રૈયાણી વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે અને બન્ને નેતા દ્વારા ચેરમેન પદ માટે છેલ્લી ઘડી સુધી લોબિંગ કરવામાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે અને તેમાં આ વખતે અરવિંદ રૈયાણીના સમર્થનમાં પ્રદેશના મહામંત્રી પ્રશાંત કોરાટએ ટેકો આપ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે અરવિંદ રૈયાણીએ પાર્ટીના નિર્ણય સાથે હોવાનો દાવો કરી કોઈ જૂથવાદ ન હોવાનું જણાવી રહ્યા છે.
ભાજપ દ્વારા હાલ જેટલા પણ ઇચ્છુક ઉમેદવારો હોય, તેઓ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરી શકે તેવી છૂટ આપવામાં આવી હતી. જેના કારણે ચેરમેન સહિત ડિરેક્ટર પદ માટે અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જોકે, અંતે કોના ફોર્મ યથાવત રહેશે અને કયા ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે તેનું ચિત્ર 27 ઓગસ્ટ બપોરે 3 વાગ્યા બાદ સ્પષ્ટ થશે.
એશિયાના સૌથી મોટા સહકારી સંઘ તરીકે ઓળખાતા રા.લો. સંઘની ચૂંટણીમાં ચેરમેન પદ અને ડિરેક્ટર પદ મેળવવા માટે ગાંધીનગર સુધી લોબિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા હતી. સહકારી ક્ષેત્રની આ ચૂંટણીમાં ભાજપનું વલણ મહત્વપૂર્ણ બની રહેશે. પક્ષના નિર્ણય બાદ જ અંતિમ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.
આ અંગે ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, પાર્ટી જે પણ વ્યક્તિને ફોર્મ પરત ખેંચવાનું કહેશે તે પોતાનું ફોર્મ પરત ખેંચશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સી.આર. પાટીલ દ્વારા સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટ પ્રથાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે, આ વખતે પાર્ટીનો નિર્ણય આવે તે પહેલાં જ કેટલાક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે.
દરમિયાન, બળવો થાય તેવી શક્યતા હોવાના કારણે જ ભાજપે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની છૂટ આપી હોવાની પણ રાજકીય ચર્ચા ચાલી રહી છે. પક્ષના તાલીમ વર્ગો શરૂ હોવાથી મેન્ડેટ ન પહોંચ્યો હોવાની વાત પણ આગળ ધરવામાં આવી રહી છે. હવે 27 ઓગસ્ટે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કયા જૂથના કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે અને કોને પક્ષનું સમર્થન મળશે તે અંગેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ સંઘ સાથે જોડાયેલી મંડળીના મત જૂથમાંથી 15 અને વ્યક્તિગત જૂથમાંથી 1 એમ કુલ 16 બેઠકો માટે ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. આવતીકાલે તા. 21 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાથી ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે અને તા.22 ઓગસ્ટના સવારે 11 વાગ્યે યાદી જાહેર કરવામાં આવશે.
ઉમેદવારીપત્રો પાછા ખેંચવા માટે તા.22થી તા.27 ઓગસ્ટના બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ તા.29 ઓગસ્ટના સવારે 11 વાગ્યે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જો મતદાન જરૂરી બનશે તો તા. 8 સપ્ટેમ્બરના સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન યોજાશે અને તા. 9 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.