શહેરના હરિધવા રોડના છેડે કોઠારીયા રોડ પરના વિસ્તારમાં રહેતી 17 વર્ષની મૂકબધિર સગીરાને પાડોશમાં રહેતી તેની સહેલી ઘર નજીક બગીચે લઈ ગઈ હતી. ત્યારે આ સહેલીના મિત્રએ સગીરા સાથે ફોટો પાડી લઈ તેને અડપલાં કર્યા હતા. બાદમાં કોઈને કહેતી નહીં નહીંતર તારા ફોટા માતા-પિતા અને સગા સંબંધીઓને મોકલી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ મૂકબધિર સગીરાના ઘરે પ્રસંગ હોય જેથી ઘરે રોકડ પડી હોય તે રોકડ રૂપિયા 7.70 લાખ બળજબરીથી પડાવી લીધી હતી.
ઘરમાં રોકડ ગુમ થયા બાદ આ બાબતે તપાસ કરતા સગીરા સાથે બનેલી આ ઘટના સામે આવી હતી અને ત્યારબાદ આ મામલે સગીરાની માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાડોશી યુવતી અને તેના મિત્ર વિરુદ્ધ પોકસો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના હરિધવા રોડના છેડે કોઠારીયા રોડ પર રહેતા 49 વર્ષીય મહિલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમના પાડોશમાં રહેતી સગીરા અને તેના મિત્ર ઋત્વિકનું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે બીએનએસની કલમ 308(2), 61(2) તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં 23 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી છે. પુત્રી જન્મથી બોલી અને સાંભળી શકતી નથી અને તેણે કોઈ શાળામાં અભ્યાસ કર્યો નથી પરંતુ મહિલા પુત્રીની સાંકેતિક ભાષા સમજી શકે છે.
ગઈ તા. ૪/૧૨ થી ૬/૧૨ ત્રણ દિવસ દરમિયાન ફરિયાદીના પુત્ર અને તેમની જેઠની દીકરીના લગ્ન હોય જે લગ્નના ખર્ચ માટે જેઠના પુત્રએ તારીખ 27 ના રોજ રૂપિયા 7.70 લાખ આપ્યા હતા જે પૈસા ઘરની સેટીમાં મૂક્યા હતા આ સમયે મૂકબધિર પુત્રી ત્યાં હાજર હતી. ગત તા. 1/12/2025 ના સાંજના પાંચેક વાગ્યે ભત્રીજાએ કહ્યું હતું કે,આપેલ બધા પૈસા લઈ આવો સોનીની દુકાને જવું છે જેથી મહિલા પૈસા લેવા માટે જતા સેટીમાં રાખેલ પૈસા જોવા મળ્યા ન હતા. જેથી ઘરના બધા સભ્યોને જાણ કરી હતી અને પૈસાની શોધખોળ કરી હતી પરંતુ પૈસાની થેલી ક્યાંય મળી આવી ન હતી. પરંતુ જે તે સમયે પ્રસંગ હોય જેથી આ અંગે પોલીસ ફરિયાદ કરી ન હતી.
બાદમાં તારીખ 6/12 ના રોજ લગ્ન પ્રસંગ પૂરો થતાં ફરિયાદીને તેની મૂકબધિર પુત્રીએ સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે, આપણી પાડોશમાં રહેતી સગીરા તથા તેના મિત્ર ઋત્વિકની સાથે તેના કહેવાથી હું આપણા ઘરની નજીક આવેલા બગીચે ગઈ હતી અને ત્યાં સહેલીએ હું અને ઋત્વિકનો સાથે હોય તેવો ફોટો પાડ્યો હતો. તે વખતે ઋત્વિકે મને કમરે તથા છાતીના ભાગે સ્પર્શ કર્યું હતું તેમજ આ હકીકત કોઈને કહેતી નહીં નહિતર ફોટા તારા માતા-પિતા તથા સગા સંબંધીને મોકલી દઈશ તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ રૂમમાં સેટીમાં પડેલ જે પૈસા હતા તે તમામ સગીરા પાસેથી ઋત્વિક અને સગીરાએ કટકે કટકે બળજબરીથી ઘર પાસે આવી કઢાવી લીધા હતા જે અંગેની વાત મૂકબધિર પુત્રીએ માતાને કરતા તેઓ ચોંકી ગયા હતા. ત્યારબાદ પરિવારજનોને આ વાત કરી હતી અને અંતે ફરિયાદ નોંધાવાનું નક્કી કર્યું હતું.
આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પીઆઇ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.બનાવ અંગે પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી બંને આરોપીઓને સકંજામાં લઇ રોકડ રકમ કબજે કરવા તજવીજ હાથ ધરી છે.
સગીરાના ભાઇના લગ્ન હોવાથી રોકડ ઘરમાં રાખી હતી
સગીરાના ભાઇ અને તેની પિતરાઇ બહેનના લગ્ન હોવાથી દાગીના ખરીદવા માટે સગીરાની માતાને ભત્રીજાએ રોકડ રૂ.૭.૭૦ લાખ આપ્યા હતાં. જે રકમ ઘરમાં સેટીમાં રાખી હતી. આ રકમ ગુમ થયા બાદ જે તે સમયે ફરિયાદ કરી ન હતી. પ્રસંગ પુરો થયા બાદ ફરિયાદ નોંધાવી છે.
મૂકબધિર સગીરાએ સાંકેતિક ભાષામાં માતાને આપવીતી જણાવી
મૂકબધિર સગીરા સાથે અડપલાં અને બાદમાં તેને ધમકાવી તેની પાસેથી રૂ.૭.૭૦ લાખ પડાવી લેવાની આ ઘટનામાં મહત્વની વાત એ છે કે દીકરી બોલી કે સાંભળી શકતી ન હોય પરંતુ તે સાંકેતિક ભાષામાં તેની માતા સાથે વાત કરતી હતી. જેથી તેણે આ ઘટનાની આપવીતી માતાને સાંતેકિત ભાષામાં જણાવી હતી.